News of Friday, 4th September 2026
શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળામાં ફૂડ સેફ્ટી ટીમની સઘન ચેકિંગ કામગીરી
વાસી અને ખુલ્લા ખાદ્યપદાર્થો સહિત ૧૮૫ કિલો જેટલો જથ્થો જપ્ત કરી નાશ કરાયો

(પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : પોરબંદરના ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા નાગરિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે ખાણીપીણીના સ્ટોલ, ફૂડ ફેસ્ટિવલના સ્ટોલ તેમજ લારીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વ ચેકિંગ દરમિયાન વાસી, ખુલ્લા તેમજ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા વિવિધ ખાદ્યપદાર્થો અને કાચા ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં શાકભાજી, ફળો, ભાત, દાબેલી, પકોડા, ખીચડી, શોલે, ખમણ-ઢોકળા, મંચુરિયન, ચટણી, ચણા-વટાણા, લીંબુ, ડુંગળી, તરબૂચ, બટેટા સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી કુલ ૧૮૫ કિલો જેટલો અયોગ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
મેળામાં ખાણીપીણીના સ્ટોલ સંચાલકો દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવે, ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવામાં આવે તથા વાસી કે અયોગ્ય ખાદ્યસામગ્રીનો ઉપયોગ ન થાય તે અંગે પણ ટીમ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા લોકમેળા દરમિયાન નાગરિકોના આરોગ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી અંગેની ચેકિંગ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
