<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

પોરબંદર ચોપાટી ખાતે કોસ્ટલ સિક્યુરિટી પોલીસ દ્વારા ઇન્ટર-કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ગેમ્સ યોજાઈ

મરીન ટાસ્ક ફોર્સ (MTF) સહિત કુલ 20 ટીમોએ બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ જેવી બીચ અને વોટર સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લીધો

પોરબંદર: કોસ્ટલ પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી, ઓપરેશનલ કોઓર્ડિનેશન અને પરસ્પર સહકારની ભાવના મજબૂત બનાવવા માટે ગુજરાત રાજ્યના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ(DIG), કોસ્ટલ સિક્યુરિટીની કચેરી દ્વારા શુક્રવારે પોરબંદરની ચોપાટી બીચ ખાતે ઇન્ટર-કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.

“ગુજરાત પોલીસના કોસ્ટલ સિક્યુરિટી વિભાગ દ્વારા આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. તેનો હેતુ કોસ્ટલ પોલીસ કર્મચારીઓમાં ટીમવર્ક, શારીરિક તંદુરસ્તી, ઓપરેશનલ સંકલન અને સહકારની ભાવના મજબૂત બનાવી ગુજરાતના દરિયાકાંઠા સુરક્ષા માળખાને વધુ સશક્ત અને અસરકારક બનાવવાનો હતો,”  પોલીસ અધિક્ષક, કોસ્ટલ સિક્યોરિટી, ગુજરાત સુબોધ માનકરે જણાવ્યું.
આ કાર્યક્રમમાં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કોસ્ટલ જિલ્લાની પોલીસ યુનિટોની 17 ટીમો અને મરીન ટાસ્ક ફોર્સ (MTF)ની ત્રણ ટીમો સામેલ હતી. બીચ વોલીબોલ, બીચ કબડ્ડી, ટગ ઓફ વોર, દરિયાઈ સ્વિમિંગ અને સી કાયકિંગ સહિતની વિવિધ બીચ અને વોટર સ્પોર્ટ્સની રમતો યોજાઈ હતી.
“વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓ આગામી સમયમાં પોલીસ મહાનિદેશક (DGP & HoPF) ડૉ. કે.એલ.એન. રાવની ઉપસ્થિતિમાં યોજાનારી ફાઈનલ સ્પર્ધામાં ભાગ લેશે અને વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે,” સુબોધ માનકરે વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ATS અને કોસ્ટલ સિક્યુરિટી) અમિત કુમાર વિશ્વકર્માના માર્ગદર્શન અને પોલીસ મહાનિર્દેશક (DGP & HoPF) શ્રી ડૉ. કે.એલ.એન. રાવના નિર્દેશન હેઠળ કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોસ્ટલ સિક્યુરિટી કર્મચારીઓ વચ્ચે વધુ સારો સંકલન અને ટીમ બિલ્ડિંગ વિકસાવી ગુજરાતના દરિયાકાંઠા સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે.

(1:14 PM IST)