<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ભાવનગર અને અમરેલી જિલ્લાના ૨૬ મંદિરોમાં ચોરી કરનાર આંતરજિલ્લા ગેંગ ઝડપાઇ

ગૂગલ મેપમાં મંદિરો શોધી ચાંદીના છત્તર ચોરતી ટોળકીના ૪ સાગરીતો ગિરફ્‌તારઃ ૫.૨૦ લાખ રોકડા, બાઇક અને મોબાઇલ કબ્‍જે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯: ભાવનગર અને અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને લક્ષ્યાંક બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને પાલીતાણા રૂરલ પોલીસે રૂ. ૬,૩૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ૨૬ જેટલા મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્‍યો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્ર વી. અસારી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક મિહીર બારિયાની સૂચના અનુસંધાને પાલીતાણા રૂરલ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. એમ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું.

આ કામગીરી દરમિયાન પાલીતાણા રૂરલ પોલીસ સ્‍ટેશનના અના. એએસઆઈ આર.બી. કોતર, હેડ કોન્‍સ. વિજયભાઈ મેહુરભાઈ તથા પો.કોન્‍સ. ધ્રુવરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે કુંભણ ગામની ઘોડીઢાળ ચોકડી પાસે ચાર શંકાસ્‍પદ ઇસમો બે મોટરસાઇકલ સાથે ઉભા છે. આ આધારે પોલીસે  તપાસ કરતા સ્‍થળ પરથી ચાર ઇસમો શંકાસ્‍પદ મુદ્દામાલ સાથે મળી આવ્‍યા હતા.

પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓ ગામડાંના છેવાડે કે અવાવરૂ જગ્‍યાએ આવેલા મંદિરો, માતાજીના મઢ, દેરી કે ઓટાને ગૂગલ મેપ  માં શોધીને રેકી કરતા હતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ ભાવનગરના તળાજા, સિહોર, ઘોઘા, ગારીયાધાર, મહુવા, દાઠા, બગદાણા તેમજ અમરેલી જિલ્લાના રાજુલા અને મોટા લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં આવેલી દેરીઓ અને મંદિરોમાંથી ચાંદીના છત્તર, મુંગટ, ગદા, સોનાના પેંડલ તથા દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે ગિરફ્‌તાર કરેલા આરોપીઓમાં મેહુલભાઇ ગણેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫, રહે. ભાંખલ, ), અશ્વીનભાઇ અશોકભાઇ મકવાણા (ઉ.વ.૨૫, રહે. ભાંખલ, ), ભરતભાઇ વજેરામભાઇ જાની (ઉ.વ.૪૦, રહે. ભાંખલ, તા.સિહોર) અને ચોરીનો માલ રાખનાર સોની પ્રત્‍યક્ષભાઇ હસમુખભાઇ પાટડીયા/સોની (ઉ.વ.૨૨, રહે. હાલ મણિનગર, અમદાવાદ, મૂળ અંજાર, કચ્‍છ) નો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો માલ વેચીને મેળવેલ રોકડ રૂ. ૫,૨૦,૦૦૦/-, રૂ. ૬૦,૦૦૦ ની કિંમતના ૨ મોટરસાઇકલ, રૂ. ૫૫,૦૦૦ ની કિંમતના ૪ મોબાઇલ ફોન તથા ચોરીમાં વપરાયેલા કટર અને આરી પાનું મળી કુલ રૂ. ૬,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.આ સફળ કામગીરીમાં પાલીતાણા રૂરલ પોલીસ ટીમ ઉપરાંત ભાવનગર એલસીબી, ઘોઘા પોલીસ અને ‘‘નેત્રમ'' શાખાનો મહત્‍વનો સહયોગ રહ્યો હતો.(૨.૧૧)

(10:58 AM IST)