હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખનીજ ચોરોની આંતરરાષ્ટ્રીય સ્તરની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ: સુરેન્દ્રનગરમાં સરકારી અધિકારીઓનું લોકેશન ટ્રેક કરતા ૨૩ વોટ્સએપ ગ્રુપ એડમિન જેલ ભેગા!
પોલીસ, ખાણ-ખનીજ અને મહેસૂલ વિભાગના દરોડાની પળેપળની માહિતી ગ્રુપમાં વહેતી કરી માફિયાઓને ભગાડી દેવાનું ચાલતું હતું મોટું ષડયંત્ર; ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસનો સપાટો

સુરેન્દ્રનગર: ગુજરાતમાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી કરનારા ભૂમાફિયાઓ સામે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એક ખૂબ જ મોટું અને અભૂતપૂર્વ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને રેડ પડતા પહેલાં જ ભાગી છૂટતા ખનીજ માફિયાઓના આખા જાસૂસી નેટવર્ક પર પોલીસે લાલઆંખ કરી છે. લોકેશન ટ્રેકિંગના ગેરકાયદેસર નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે ઓપરેશન હાથ ધરીને ખાણ-ખનીજ અને પોલીસ વિભાગના અધિકારીઓની રેડની વિગતો લીક કરનારા ૨૩ જેટલા વોટ્સએપ ગ્રુપ એડમિન્સની ધરપકડ કરી લીધી છે.
જિલ્લામાં લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે જ્યારે પણ પોલીસ વિભાગ, ખાણ-ખનીજ વિભાગ અથવા મહેસૂલ વિભાગના અધિકારીઓ સરપ્રાઈઝ ચેકિંગ કે દરોડા પાડવા માટે કચેરીમાંથી ગાડીઓ લઈને નીકળતા, ત્યારે ભૂમાફિયાઓ ઘટનાસ્થળેથી કરોડો રૂપિયાની મશીનરી અને ડમ્પરો લઈને ગણતરીની મિનિટોમાં રફુચક્કર થઈ જતા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે બાતમીદારોના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે એક ખાસ એક્શન પ્લાન અને ચક્રવ્યૂહ તૈયાર કર્યો હતો.
મોબાઈલ જપ્ત કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ: મોટા માથાઓના નામ ખૂલવાની આશંકા
સાયબર સેલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે રેડના સમયે સક્રિય રહેતા શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપો પર નજર રાખી હતી. આ તપાસમાં સામે આવ્યું કે આ શખ્સો અલગ-અલગ ગ્રુપો બનાવીને સરકારી ગાડીઓની મૂવમેન્ટ અને લોકેશન પળેપળ શેર કરતા હતા. પોલીસે આ લોકેશન નેટવર્ક ચલાવતા ૨૩ મુખ્ય એડમિન્સની આકરા ઓપરેશન હેઠળ અટકાયત કરી છે.
પોલીસે પકડેલા તમામ ૨૩ શખ્સોને સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે લાવીને સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત તમામ આરોપીઓના એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સાયબર નિષ્ણાતો દ્વારા આ ફોનમાં રહેલા તમામ વોટ્સએપ ગ્રુપ્સ, કોલ ડિટેઈલ્સ અને ચેટ હિસ્ટ્રીની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તપાસ દરમિયાન ખનીજ ચોરીના કાળા કારોબાર સાથે જોડાયેલા અનેક મોટા માથાઓ, વગદાર શખ્સો અને માફિયાઓના નામ બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. પોલીસના આ કડક અને અભૂતપૂર્વ વલણના કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ ચોરો અને તેમની જાસૂસી કરતા તત્વોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
