<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

નરેન્‍દ્રભાઇને આવકારવા જામનગર સજ્જઃ પૂનમબેનની અધ્‍યક્ષતામાં મિટીંગ- નિરીક્ષણ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૮: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગામી તા.૧૦ તથા ૧૧ મે ના રોજની જામનગર મુલાકાતને લઈ વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મુલાકાતના સુચારુ આયોજનના ભાગરૂપે સાંસદ પૂનમબેન માડમની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્‍ટર  પી.બી. પંડ્‍યાએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને લગતી તમામ વ્‍યવસ્‍થાઓ અને આયોજનની વિગતવાર રૂપરેખા રજૂ કરી હતી.

કલેક્‍ટરશ્રીએ જણાવ્‍યું હતું કે, સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુવ્‍યવસ્‍થિત રીતે થાય અને કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે વહીવટી સ્‍તરે વિવિધ સમિતિઓનું ગઠન કરી દેવામાં આવ્‍યું છે.તેમજ વિભાગ વાર હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અને આયોજન અંગે સાંસદશ્રી તથા કલેકટરશ્રી દ્વારા ચર્ચા કરાઈ હતી.તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું.

બેઠક બાદ સાંસદ પૂનમબેન માડમ, કલેક્‍ટર પી.બી. પંડ્‍યા સહિતના મહાનુભાવોએ લાલ બંગલો સર્કલ ખાતેના કાર્યક્રમ સ્‍થળની મુલાકાત લીધી હતી અને સુરક્ષા તેમજ બેઠક વ્‍યવસ્‍થા સહિતની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા,  દિવ્‍યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્‍ટર એસ.એમ. કાથડ, તેમજ અગ્રણીઓ બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો અને વિવિધ વિભાગોના ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

જામનગરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના પ્રવાસને ધ્‍યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા અને વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્‍યું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે શહેરના મહત્‍વપૂર્ણ વિસ્‍તારોમાં તૈયારીઓને અંતિમ સ્‍વરૂપ આપવા માટે આજે લાલ બંગલા સર્કલ તથા સર્કિટ હાઉસ વિસ્‍તારમાં ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા સંયુક્‍ત નિરીક્ષણ હાથ ધરાયું હતું.

આ નિરીક્ષણ દરમિયાન મુખ્‍ય માર્ગો, સંભવિત કાર્યક્રમ સ્‍થળો, વાહન વ્‍યવસ્‍થા, સુરક્ષા બંદોબસ્‍ત તથા વી.આઈ.પી. અવરજવર અંગે વિસ્‍તળત સમીક્ષા કરવામાં આવી હતી. શહેર પોલીસ, વાહન વ્‍યવહાર શાખા તથા અન્‍ય સુરક્ષા એજન્‍સીઓને એલર્ટ પર રાખીને વિવિધ વ્‍યવસ્‍થાઓ વધુ સઘન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કાર્યક્રમની તૈયારીઓ અને રૂટ નિરીક્ષણ દરમિયાન જામનગરના જિલ્લા કલેક્‍ટર પરિમલ પંડ્‍યા, જામનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ, મહાનગર પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, જામનગરના સાંસદ  પૂનમબેન માડમ, ધારાસભ્‍ય દિવ્‍યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર મહાનગરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા યોગેશભાઈ દવે ભાવેશભાઈ ઠુંમર જામનગર મહાનગરપાલિકાના આસી. કમિશનર ભાવેશચાની મુકેશભાઈ તેમજ અન્‍ય અગ્રણીઓ તથા પક્ષના અન્‍ય હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

વડાપ્રધાનના સંભવિત આગમનને પગલે સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવવાની તૈયારીઓ તેજ બની છે અને તંત્ર દ્વારા દરેક વ્‍યવસ્‍થાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા,જામનગર)

(1:15 PM IST)