તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
ભૂકંપ સામે સુરક્ષિત કચ્છ માટે ISRની ‘સુરક્ષા’ કાર્યશાળા યોજાઈ
'સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભૂકંપ પૂર્વતૈયારી, આપત્તિ પ્રતિકારક ક્ષમતા અંગે અપાયું માર્ગદર્શન, ગુજરાતમાં હાલમાં ૧૧૦થી વધુ ભૂકંપ નિરીક્ષણ મથકોના નેટવર્ક દ્વારા સમગ્ર રાજ્યમાં ચોવીસ કલાક ભૂકંપની હિલચાલ ઉપર નજર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST), ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગર દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના દ્રષ્ટિશીલ નેતૃત્વ અને જનસેવાની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજ ખાતે ‘સુરક્ષા – ભૂકંપ પૂર્વતૈયારી, ભૂકંપીય જોખમ મૂલ્યાંકન અને માઇક્રોઝોનેશન’ વિષય પર વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં ભૂકંપ અંગે વૈજ્ઞાનિક સમજ વિકસાવવાનો, ભૂકંપ પ્રત્યેનો બિનજરૂરી ભય દૂર કરવાનો અને આપત્તિના સમયે યોગ્ય પ્રતિસાદ તથા સાવચેતીનાં પગલાં અંગે જાગૃતિ કેળવવાનો હતો. આ સાથે યુવા વિદ્યાર્થીઓને અર્થ સાયન્સ ક્ષેત્રમાં કારકિર્દીની તકો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં લોકસભાના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજના મેયર શીતલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલભાઈ ગઢવી, અધિક કલેક્ટર પ્રવીણભાઈ વિઠાણી, મામલતદારશ્રી, ભુજ નગરપાલિકાના નગરસેવકો અને પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, પોલીસ વિભાગના અધિકારીઓ, ફાયર વિભાગની ટીમ, ૧૦૮ ઇમરજન્સી સેવાની જિલ્લા ટીમ, સ્થાનિક પ્રતિનિધિઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત અંદાજે ૧૦૦ જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સ્થાનિક શાળાઓ અને કોલેજોના આશરે ૫૦ વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષકો ઉપરાંત આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓ અને વિવિધ હિતધારકોનો સમાવેશ થયો હતો.
આ કાર્યશાળામાં નિષ્ણાતોએ ભૂકંપ વિજ્ઞાન અને આપત્તિ વ્યવસ્થાપનના વિવિધ પાસાંઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. દિલીપ સિંહે ‘ભૂકંપ એટલે શું?’, તેની તીવ્રતા અને મેગ્નિટ્યુડ વચ્ચેનો તફાવત તથા ભૂકંપ પૂર્વતૈયારી અંગે સમજ આપી હતી. શ્રી પ્રથુલ પટેલે ભૂકંપીય જોખમની સંભવિત પરિસ્થિતિઓ અને પૂર્વતૈયારી અંગે વક્તવ્ય આપ્યું હતું. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જ્યોસાયન્સ, આર્કિયોલોજી એન્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના વડા ડૉ. ગૌરવ ચૌહાણે ‘કચ્છમાં ભૂકંપ સાથે જીવવું’ વિષય પર માર્ગદર્શન આપતાં સમયાંતરે સામુદાયિક આપત્તિ પ્રતિકારક ક્ષમતા વિકસાવવાના મહત્વ અને યુવા વિદ્યાર્થીઓ માટે અર્થ સાયન્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. પલ્લબી ચૌધરીએ વિવિધ ભૂભૌતિકીય ઉપકરણોનું પ્રદર્શન કરી જીવંત ભૂકંપીય ડેટાનું નિદર્શન પણ કર્યું હતું. કાર્યશાળા દરમિયાન ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના વિનાશક કચ્છ ભૂકંપની કરુણ સ્મૃતિને યાદ કરવામાં આવી હતી. આ ભૂકંપમાં ૧૩,૮૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને કચ્છથી ૨૫૦ કિલોમીટરથી વધુ દૂર આવેલા વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું હતું. ભુજ અને કચ્છનો મોટો વિસ્તાર ઉચ્ચ ભૂકંપીય સંવેદનશીલતા ધરાવતા ઝોન-૫માં આવેલો હોવાથી અહીં ભૂકંપ અંગે જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ, સુરક્ષિત બાંધકામ અને અસરકારક આપત્તિ વ્યવસ્થાપનનું વિશેષ મહત્વ છે.
વર્ષ ૨૦૦૧ના ભૂકંપ બાદ ગુજરાતને કુદરતી આપત્તિઓ સામે વધુ સક્ષમ બનાવવા અને ભુજના પુનર્વિકાસમાં ‘બિલ્ડ બેક બેટર’ અભિગમ દ્વારા સુરક્ષિત તથા ભૂકંપરોધક બાંધકામને પ્રોત્સાહન આપવાના હેતુથી વર્ષ ૨૦૦૪માં ગાંધીનગર ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)ની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાના કાર્યક્ષેત્રમાં ભૂકંપનું વૈજ્ઞાનિક નિરીક્ષણ, ભૂકંપીય જોખમનું મૂલ્યાંકન અને સુરક્ષિત વિકાસ માટે જરૂરી સંશોધનનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં હાલમાં ૧૧૦થી વધુ ભૂકંપ નિરીક્ષણ મથકોનું નેટવર્ક કાર્યરત છે. તેમાંથી આશરે ૬૦ મથકો વી-સેટ (V-SAT) મારફતે ડેટા સેન્ટર સુધી માહિતી પહોંચાડે છે. આ નેટવર્ક દ્વારા ચોવીસ કલાક ભૂકંપીય પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવે છે અને ભૂકંપ સર્જાય ત્યારે તેની પ્રાથમિક માહિતી, કેન્દ્રબિંદુ તથા તીવ્રતાનું મૂલ્યાંકન ટૂંકા સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કચ્છ વિસ્તારમાં આવેલી મુખ્ય ભૂગર્ભીય ફોલ્ટ લાઇનો પર સતત દેખરેખ રાખવા માટે પણ અત્યાધુનિક સિસ્મિક સ્ટેશનો કાર્યરત છે. ISRની કામગીરી માત્ર ભૂકંપના નિરીક્ષણ પૂરતી મર્યાદિત નથી. સંસ્થા સુરક્ષિત શહેરી વિકાસ, ભૂકંપરોધક ઇમારતોની ડિઝાઇન, ભૂગર્ભજળ અને ખનિજોની શોધ તેમજ ડેમ, અણુઊર્જા મથકો અને સૌર તથા પવનઊર્જા પ્રોજેક્ટ્સ જેવા મહત્વપૂર્ણ માળખાકીય પ્રકલ્પોમાં ભૂકંપીય સલામતી અને જોખમ મૂલ્યાંકન સંબંધિત સેવાઓ પણ પૂરી પાડે છે. આ કામગીરી ગુજરાત ઉપરાંત દેશનાં ૨૧થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવે છે.
આ સમગ્ર કાર્યશાળાએ ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સામે માત્ર વૈજ્ઞાનિક સંશોધન જ નહીં, પરંતુ જનજાગૃતિ, સામુદાયિક સહભાગિતા, સરકારી તંત્રની સજ્જતા અને યુવા પેઢીની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ હોવાનું ઉજાગર કર્યું હતું. ‘સુરક્ષા’ કાર્યશાળા દ્વારા કચ્છમાં ભૂકંપ અંગેની સમજ વધારવા, આપત્તિ સામે સામૂહિક પ્રતિકારક ક્ષમતા મજબૂત કરવા અને વિજ્ઞાન આધારિત સુરક્ષિત સમાજના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
