News of Sunday, 13th September 2026
જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલઃ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
અમરેલી જીલ્લામાં વરસાદી સ્થિતિ તથા ખરાબ હવામનને ધ્યાને રાખી દરિયામાં હાઇએલર્ટ

રાજકોટઃ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર ભયસૂચક ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને આગામી કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.
અમરેલી જિલ્લામાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની પણ પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંભવિત જોખમને ટાળવા માટે માછીમારોને આગામી સમય સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. દરિયાઈ કાંઠાના કોસ્ટ બેલ્ટ પર કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની આફત સામે ત્વરિત પગલાં લઈ શકાય.
હાઈ ટાઈડની શક્યતા અને તંત્રની સતર્કતા
હવામાનની પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ આગામી ૨૪ કલાક દરિયાકાંઠાના વિસ્તારો માટે અત્યંત સંવેદનશીલ છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિમાં અણધારી વધારો થવાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને હાઈ ટાઈડ આવવાની પ્રબળ શક્યતા છે. આ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થાનિક માછીમાર સમુદાય અને દરિયાકાંઠે વસવાટ કરતા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે તમામ બોટ અને નાની હોડીઓને સુરક્ષિત સ્થળોએ લાંગરી દેવાની સૂચના આપવામાં આવી છે.
જાફરાબાદના દરિયાકાંઠાના સમગ્ર પટ્ટા પર તંત્ર દ્વારા હાઈ એલર્ટ જારી કરાયું છે અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દરિયાકાંઠાના ગામડાઓમાં લોકોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા દરિયાઈ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
