<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

કચ્છના મીની વિરપુર રાપરના જલારામ મંદિરે પૂ.જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

૨૨૭ દીવડાની મહાઆરતી, ભવ્ય રાસોત્સવ અને મહાપ્રસાદનું આયોજન; કચ્છ સહિત ગુજરાત અને મુંબઈથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ :  કચ્છના વાગડ વિસ્તારમાં મીની વિરપુર તરીકે જાણીતા રાપરમાં બાદરગઢ પાટિયા પાસે આવેલા શ્રી જલારામ મંદિરે પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી જલારામ બાપાનાં દર્શનનો લાભ લીધો હતો.

જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે ૨૨૭ દીવડાઓથી ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભવ્ય રાસોત્સવ, ભજન-ધૂન, મહાપ્રસાદ તેમજ જલારામ બાપાના અન્નક્ષેત્રની ઝૂંપડી અને સદાવ્રતની આકર્ષક ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઊઠ્યું હતું. આ ઉજવણીમાં રાપર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, મુંબઈ તેમજ ઉત્તર ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. મહાપ્રસાદના યજમાન તરીકે માતૃશ્રી ઠક્કર પાર્વતીબેન દયારામભાઈ ફુલચંદભાઈ ભીંડે પરિવાર (નંદાસરવાળા, હાલ મુંબઈ) તરફથી સેવા આપવામાં આવી હતી. પરિવારના શાંતિલાલ દયારામભાઈ ભીંડે તથા હરજીવનભાઈ દયારામભાઈ ભીંડેના સહયોગથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવિકોને રાપરથી બાદરગઢ પાટિયા આવવા-જવા માટે દેનાબેંક ચોકથી વાહન વ્યવસ્થાની નિઃશુલ્ક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે તથા મહાપ્રસાદના દાતા પરિવારના સભ્યો શાંતિલાલ ભીંડે અને હરજીવનભાઈ ભીંડેનું સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ બાપાની ઝૂંપડી અને તેમના સદાવ્રતની ઝાંખી કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી. આ ઝાંખી તૈયાર કરવામાં જલારામ મંડળના યુવા કાર્યકરો તેમજ જલારામ સત્સંગ મંડળની દીકરીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા જલારામ સેવા સત્સંગ મંડળના પ્રમુખ અંબાવીભાઈ વાવીયા સહિત દિનેશભાઈ ચંદે, રાજાભાઈ વેરાત, વિશનભાઈ પૂજારા, લાલજીભાઈ નાથાણી, ઉમેદભાઈ ચંદે, ચંદ્રેશ મજીઠીયા, સંજય કારિયા, નવીનભાઈ ચંદે, ધર્મેન્દ્ર ચંદે, ચંદુલાલ ચંદે, હસમુખ ચંદે, મહેન્દ્ર ભીંડે, ભરત ચંદે, હિરેન મીરાણી, પાર્થ મીરાણી, અભય ચંદે, કિશન કારિયા, રાહુલ કારિયા, કલ્પેશ રાજદે, કમલેશ ચંદે, ભાવેશ રાજદે, જીગર ચંદે, ભાવિન ચંદે, રાજેશ ચંદે, શ્યામ પલણ, હરેશ મજીઠીયા, હિતેશ મજીઠીયા, રાજેશ પૂજારા, આનંદ રામાણી, સુનિલ સહિતના કાર્યકરોએ સંભાળી હતી. આ ઉપરાંત ગોપીબેન ચંદે, રિદ્ધિબેન, ખુશીબેન, સાક્ષીબેન, સિયાબેન, રવિનાબેન, આર્ચીબેન, ખુશીબેન ભીંડે, ગોપીબેન ભીંડે તથા પ્રીતિ ચંદે સહિતની બહેનોએ પણ ઉત્સાહભેર સેવા આપી હતી.

આમ, જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ઉજવણી ધાર્મિક આસ્થા, ભક્તિ, સેવા અને સમર્પણના સંગમ સમાન બની રહી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં આયોજક મંડળે તમામ દાતાઓ, સેવાભાવી કાર્યકરો અને ઉપસ્થિત ભાવિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:28 AM IST)