તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Monday, 16th November 2026
વીરપુરમાં પૂ.જલારામબાપા જન્મજયંતિની ઉજવણી : બીજી દિવાળી જેવો નજારો
ઘેર ઘેર રંગોળીઓ, પૂ.જલારામબાપાના જીવનચરિત્રની આબેહૂબ પ્રતિકૃતિઓ અને આતશબાજીથી ઝળહળ્યું યાત્રાધામ : ઘેર ઘેર ફૂલહાર અને આસોપાલવના તોરણોના શણગાર.

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર તા.૧૬ : દેશ-વિદેશમાં ભજન, ભોજન અને ભક્તિની સુવાસ ફેલાવનાર પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. જલારામ બાપાની જન્મજયંતિના વધામણાં કરવા વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેવો નજારો સર્જાયો છે.
જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે વીરપુરના ગ્રામજનો દ્વારા પોતાના ઘરના આંગણે અવનવી અને આકર્ષક રંગોળીઓ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્રને દર્શાવતી રંગોળીઓ તેમજ બાપાની આબેહૂબ પ્રતિકૃતિઓ રંગોળી દ્વારા કંડારવામાં આવી છે. સ્થાનિક મહિલાઓએ ખૂબ જ ભાવપૂર્વક અને કલાત્મક રીતે રંગોળીઓ બનાવીને બાપા પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી છે.
આ ઉપરાંત સમગ્ર વીરપુર ગામને ફૂલહાર, આસોપાલવના તોરણો અને રંગબેરંગી શણગારથી સુશોભિત કરવામાં આવ્યું છે. ગામના દરેક ઘરના આંગણે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર દિવાળીના પર્વે તો સૌ કોઈ રંગોળી કરતા હોય છે, પરંતુ જલારામ બાપાની જન્મજયંતિ વીરપુરવાસીઓ માટે દિવાળી સમાન પવિત્ર અને આનંદનો અવસર છે.
જન્મજયંતિના વધામણાં કરવા ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી અને ભવ્ય આતશબાજી કરવામાં આવી રહી છે. સમગ્ર ગામમાં જય જલારામના નાદ સાથે ભક્તિ, આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. આમ, પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિને લઈને યાત્રાધામ વીરપુરમાં ભક્તિ અને ઉત્સવના અનોખા સંગમ સાથે જાણે બીજી દિવાળી ઉજવાઈ રહી છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
