<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

જામનગર–અલિયાબાડા માર્ગ પર ગોઝારો અકસ્માત : ઈકો કાર પુલ સાથે ભયાનક રીતે અથડાતાં બે મુસાફરોના કરૂણ મોત : જુઓ વિડીયો

અલિયાબાડા પાટિયા નજીક આવેલા મોટા પુલ પર સર્જાયેલી દુર્ઘટનામાં અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત : ૧૦૮ અને પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચ્યો

(મુકુંદ બદીયાણી દ્વારા)  જામનગર: જામનગર–અલિયાબાડા માર્ગ પર આવેલા અલિયાબાડા પાટિયા નજીકના મોટા પુલ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી એક ઈકો કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી તે દરમિયાન અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં કાર પુલના માળખા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ટક્કરમાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

૧૦૮ ની ટીમો દ્વારા રાહત કામગીરી:
અકસ્માત એટલો ભયંકર હતો કે ઈકો કારમાં સવાર અન્ય મુસાફરો પણ લોહીલુહાણ થઈ ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટુકડી ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. રાહતકર્મીઓએ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક કારમાંથી બહાર કાઢીને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

પોલીસ કાફલો સ્થળ પર, તપાસ શરૂ:
દુર્ઘટના અંગેની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ બનાવ સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકોના મૃદદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી માર્ગ પર વાહનવ્યવહાર સુચારુ કરાવ્યો હતો. અકસ્માત કયા સંજોગોમાં અને કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે વધુ વિગતો મેળવીને કાયદેસરની કાર્યવાહી તથા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(7:18 PM IST)