<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

જામનગર: પક્ષી પ્રેમી ફિરોઝખાન પઠાણનું આરોગ્ય ભારતી દ્વારા વિશેષ સન્માન, ૧૯ વર્ષથી ચકલીઓના સંરક્ષણ માટે કરી રહ્યા છે ઉમદા કામગીરી

ચકલીના માળા અને પક્ષી કુંડાના નિઃશુલ્ક વિતરણ તેમજ ઘાયલ પક્ષીઓના રેસક્યુ માટે મળ્યો પુરસ્કાર; જાણીતા પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

જામનગર:પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં જામનગરના પક્ષી પ્રેમીઓની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે આરોગ્ય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ વિભાગ દ્વારા એક વિશેષ સરાહનીય પહેલ કરવામાં આવી છે. ચકલી અને નાના પક્ષીઓના રહેણાંક, ખોરાક અને સંરક્ષણ માટે શહેરમાં કાર્યરત લોકોનું સર્વેક્ષણ કર્યા બાદ, જામનગરના જાણીતા પક્ષી પ્રેમી ફિરોઝખાન પઠાણની આ વિશિષ્ટ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી.

 

૧૯ વર્ષની અવિરત સેવાકીય સફર:

ફિરોઝખાન પઠાણ છેલ્લા ૧૯ વર્ષથી નિઃસ્વાર્થ ભાવે પક્ષી સેવાના કાર્ય સાથે જોડાયેલા છે. તેઓ દર વર્ષે ચકલીઓ માટે માળા અને પક્ષીઓને પીવાના પાણી માટે માટીના કુંડાનું વિતરણ કરે છે. માત્ર વિતરણ જ નહીં, પરંતુ જ્યારે પણ કોઈ પક્ષી ઘાયલ થાય ત્યારે તેને તાત્કાલિક રેસક્યુ કરી તેની જરૂરી સારવાર કરવાની કામગીરી પણ તેઓ અવિરતપણે કરી રહ્યા છે. તેમની આ દીર્ઘકાલીન અને સમર્પિત સેવાને ધ્યાને રાખીને આરોગ્ય ભારતી દ્વારા તેમનું વિશેષ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ:

સન્માન સમારોહના આ અવસરે જાણીતા પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા, દિપાલી બેન, જતીનભાઇ ધ્રુવ તેમજ આરોગ્ય ભારતી જામનગર ઘટકના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ પક્ષીઓના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમો અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં પક્ષીઓના મહત્વ વિશે ચર્ચા કરી હતી.

 

આ પ્રસંગે શહેરના પક્ષી પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ વિશાળ સંખ્યામાં હાજર રહી ફિરોઝખાન પઠાણની કામગીરીને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન આરોગ્ય ભારતીના પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો હેતુ વધુને વધુ લોકો પક્ષી સંરક્ષણના કાર્યમાં જોડાય તેવો રહ્યો છે. (તસ્વીર - વિશ્વાસ ઠક્કર)

(10:44 AM IST)