<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

જામનગર કલેક્ટર પી.બી. પંડ્યાની જોડિયાના કુનડ ગામે આકસ્મિક મુલાકાત : પંચાયત, શાળા-આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રનું હાથ ધરાયું સઘન નિરીક્ષણ

સરકારી દફતરની તપાસ સાથે ગૌચર-સરકારી જમીનો પરના અનધિકૃત દબાણો હટાવવા કડક આદેશ : બાળકોના ભોજનની ગુણવત્તા ચકાસી : ચોમાસામાં દવાનો પૂરતો જથ્થો રાખવા તબીબોને તાકીદ

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ: જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા દ્વારા જોડિયા તાલુકાના કુનડ ગામે આકસ્મિક મુલાકાત લઈ વિવિધ સરકારી વિભાગો તથા પંચાયતની કામગીરીનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દૌરા દરમિયાન તેમણે સરકારી યોજનાઓ, દફતર તપાસણી, શૈક્ષણિક કાર્ય તેમજ આરોગ્ય સેવાઓની સ્થિતિની સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી.

 દફતર તપાસ અને દબાણો દૂર કરવાનો આદેશ:
કલેક્ટર દ્વારા કુનડ ગ્રામ પંચાયત ખાતે સામાન્ય દફતર તપાસણી હાથ ધરીને તમામ સરકારી રેકર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. આ તકે તેમણે ગામમાં સરકારી તેમજ ગૌચરની જમીન પર થયેલા અનધિકૃત દબાણો તુરંત અસરથી દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. તદુપરાંત, સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ સાધીને તેમની વિવિધ સમસ્યાઓ સાંભળી હતી અને તેનો સત્વરે નિકાલ લાવવાની ખાતરી આપીને સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડી હતી.

 શાળા-આંગણવાડીમાં ખોરાકની ગુણવત્તા ચકાસી:
ગામની આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન તેમણે બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વાસ્થ્યપ્રદતાની જાતે ચકાસણી કરી હતી. કલેક્ટરે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને શૈક્ષણિક કાર્ય તથા અન્ય પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવી હતી.

આરોગ્ય કેન્દ્રમાં ચોમાસા અંગે જરૂરી માર્ગદર્શન:
પ્રવાસના અંતે તેમણે સ્થાનિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને રોગચાળા સામે રક્ષણ મેળવવા જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ સારવાર અર્થે આવતા દર્દીઓને સત્વરે અને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા તબીબી સ્ટાફને તાકીદ કરવામાં આવી હતી.

(4:56 PM IST)