<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે નવાગામ ઘેડ ખાતે કર્યું મતદાન, લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાવા કર્યો અનુરોધ

ગોપાલ કુમાર છાત્રાલયના મતદાન મથકે શાંતિપૂર્ણ રીતે નોંધાવ્યો મત, કહ્યું- દરેક નાગરિકે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી મજબૂત બનાવવી જરૂરી; વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬  જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે રવિવારે લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને નાગરિકોને મતદાન માટે પ્રેરણાત્મક સંદેશ પાઠવ્યો હતો.

 

સાંસદ પૂનમબેન માડમ આજે સવારે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ ગોપાલ કુમાર છાત્રાલય ખાતે સ્થિત મતદાન મથકે પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે.

 

તેમણે જામનગર શહેર અને જિલ્લામાં વસતા તમામ મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ લોકશાહી પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાઈને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીને મજબૂત બનાવે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આપણા રોજિંદા જીવન સાથે સીધી જોડાયેલી છે, એટલે યોગ્ય પ્રતિનિધિની પસંદગી માટે મતદાન જરૂરી છે.

 

સાંસદની આ અપીલથી મતદારોમાં પણ જાગૃતિ અને ઉત્સાહનો સંદેશ પ્રસરી રહ્યો છે. તેમણે ખાસ કરીને મહિલા મતદારો અને યુવા મતદારોને ઘરની બહાર નીકળી મતદાન કરવા આહ્વાન કર્યું હતું.

(2:37 PM IST)