<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

ધારાસભ્યોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરે અધિકારીઓને આપી સૂચના, વીજળી, પાણી અને જમીન માપણીના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૭ :  જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કૃષિલક્ષી વીજ જોડાણનો બેકલોગ દૂર કરવા, આંગણવાડીને પોતાની માલિકીના મકાનો આપવા, જર્જરિત વાયર્સ સત્વરે બદલી આપવા, બી.આર.સી. ધ્રોલમાં કમ્પાઉન્ડ વોલ અને નવું તાલીમ ભવન બનાવવા, વીજ ફીડર બંધ થવાની જાહેર જનતાને જાણ કરવા તથા ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પાણી પૂરું પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા વીજલાઇન અને પાણીના સમ્પ ખેતરને બદલે ખરાબાની જમીનમાં નાખવા, જમીન માપણીનો સર્વે કરવા, અછતની સંભવિત પરિસ્થિતિમાં ઘાસચારાનો જથ્થો જાળવવા, પાકવીમો, પ્રોપર્ટી કાર્ડ, પેન્ડિંગ પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં ઉકેલ લાવવા જેવા વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત અગાઉની બેઠકની કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ નવેમ્બર માસમાં યોજાનારા મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમના આયોજન અંગે પણ વિચારણા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ સહિત લગત વિભાગના અધિકારીઓ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(2:55 PM IST)