તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડેએ વસ્તી ગણતરી-2027 માટેની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી, નાગરિકોને રાષ્ટ્રહિતમાં જોડાવા અપીલ
31 મે 2026 સુધી http://se.census.gov.in પોર્ટલ પર ઓનલાઈન સ્વ-ગણતરી કરી શકાશે, ગુજરાતમાં 1 થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદીની કામગીરી હાથ ધરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : વસ્તી ગણતરી-2027 એ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના-2027 અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટર એસ.એમ.કાથડેએ વસ્તી ગણતરી અંતર્ગત સ્વ-ગણતરી પૂર્ણ કરી છે.
કલેક્ટરશ્રીએ જામનગર જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી છે. નાગરિકો આગામી તા. 31 મે 2026 સુધી ઓનલાઈન પોર્ટલ http://se.census.gov.in પર જઈ સરળતાથી પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકશે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વસ્તીગણતરી 2027 હાથ ધરવામાં આવનાર છે. તેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તા. 1 થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા સરળ બને તે હેતુથી સરકારે તા. 17 થી તા. 31 મે 2026 સુધી સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેના થકી નાગરિકો વસ્તી ગણતરીના અધિકારી ઘરે આવે તે પહેલા જ પોતાની અને પરિવારની વિગતોની ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
સેલ્ફ-એન્યુમેરેશનની પ્રક્રિયા
પ્રાથમિક રજિસ્ટ્રેશન માટે નાગરિકોએ વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય અને કેપ્ચા કોડ દાખલ કરી લોગઇન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને 10 આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે.
બાદમાં વેરિફિકેશન માટે ભાષાની પસંદગી અને OTP વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરી મેપ પર લાલ માર્કર થકી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. ત્યારબાદ વસ્તીગણતરીને લગતા પ્રશ્નોના જવાબ આપીને ડેટા એન્ટ્રી કરવાની રહેશે. પ્રિવ્યૂમાં જઈને તમામ વિગતો ચકાસી, જરૂર પડ્યે એડિટ કરી શકાશે. ફાઈનલ સબમિટ કરવાથી ડેટા લોક થઈ જશે અને 11 આંકડાનો યુનિક 'SE ID' જનરેટ થશે, જે મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે.
જ્યારે વસ્તીગણતરીના કર્મચારી ઘરની મુલાકાતે આવે ત્યારે તેમને આ આઈડી નંબર બતાવવાનો રહેશે. જો આ આઈડી ડેટા સાથે મેચ થઈ જશે તો વિગતો કન્ફર્મ ગણાશે, અન્યથા કર્મચારી નવેસરથી માહિતી એકત્ર કરશે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
