<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

દિવાળીના તહેવારોમાં આગના બનાવો અટકાવવા જામનગર ફાયરબ્રિગેડનું તંત્ર એલર્ટ મોડમાં : છને બદલે આ વખતે નવ સ્થળે ફાયર ફાઇટરની ખાસ વ્યવસ્થા

શહેરમાં ૧૩૦ જેટલા ફાયર જવાનો તૈનાતઃ ત્રણ કાયમી ફાયર સ્ટેશન ઉપરાંત ચાર સ્થળે હંગામી ફાયર સ્ટેશન કાર્યરત કરાયાં, ચોવીસ કલાક સેવા ઉપલબ્ધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : દિવાળીના તહેવારો દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકો દ્વારા કરવામાં આવતી આતશબાજી અને ફટાકડાના ધામધૂમભર્યા ઉજવણીના માહોલ વચ્ચે આગના અકસ્માતો ન સર્જાય અને કોઈપણ સ્થળે આગ કે અન્ય દુર્ઘટનાનો બનાવ બને તો તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી શકાય તે માટે જામનગર મહાનગરપાલિકાનું ફાયરબ્રિગેડ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ફાયર ઓફિસર ભાવેશ જાની રાહબરીમાં ફાયર ઓફિસર જયવીરસિંહ રાણા તથા અનવર ગજ્જણની દેખરેખ હેઠળ ફાયર વિભાગના કુલ ૧૩૦ જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરી ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક ફાયર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શહેરમાં આગના બનાવો પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય તે માટે મહાનગરપાલિકાના મુખ્ય ફાયર સ્ટેશન ઉપરાંત જનતા ફાટક પાસે અને બેડી વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનને કાર્યરત રાખવામાં આવ્યાં છે. આ ત્રણ કાયમી ફાયર સ્ટેશન ઉપરાંત શહેરમાં વધુ ચાર સ્થળોએ હંગામી ફાયર સ્ટેશન ઊભાં કરવામાં આવ્યાં છે. જેમાં સમર્પણ સર્કલ, ડીકેવી સર્કલ, રાધિકા સ્કૂલ પાસે તથા સાધના કોલોની રોડ ગ્રીનસીટીનો સમાવેશ થાય છે.

આમ, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમો અને ફાયર ફાઇટરોને તૈનાત રાખીને કોઈપણ સ્થળે આગનો બનાવ બને તો તાત્કાલિક સ્થળ પર પહોંચી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના તણખા કે અન્ય કારણોસર આગ લાગવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન અને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

 

દિવાળીની સફાઈમાં આટલી તકેદારી રાખવા ફાયર વિભાગની અપીલ

 

ફાયર વિભાગ દ્વારા જામનગરની જનતાને દિવાળીના તહેવારો દરમિયાન આગના અકસ્માતો ટાળવા કેટલીક સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

ઘરની બહાર, શેરીઓમાં કે ધાબા પર રાખવામાં આવેલો પ્લાસ્ટિક, પૂંઠાં અને અન્ય જ્વલનશીલ કચરો દૂર કરવો.

દુકાનો, ગોડાઉન કે અન્ય ઇમારતોનાં ધાબાં પર ખુલ્લામાં રાખેલા ટાયરના જથ્થાને સલામત સ્થળે ખસેડવો.

લાકડાં, પૂંઠાં અને આગ ઝડપથી પકડી શકે તેવી અન્ય વસ્તુઓ ખુલ્લામાં ન રાખવી.

દિવાળીની સફાઈ દરમિયાન એકત્ર થયેલો પ્લાસ્ટિક, કચરો અને પૂંઠાંનો જથ્થો તાત્કાલિક દૂર કરાવવો.

આસપાસના વિસ્તારમાં જ્વલનશીલ કચરો પડેલો હોય તો મહાનગરપાલિકાને જાણ કરી તેનો યોગ્ય નિકાલ કરાવવો.

ફટાકડાના તણખા આવી જ્વલનશીલ વસ્તુઓ પર પડવાથી આગ લાગવાની અને મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેતી હોવાથી નાગરિકો સાવચેતી રાખે અને ફાયર વિભાગને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.

 

 ખાસ વ્યવસ્થા

 

 મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન શહેરનાં છ સ્થળોએ ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે આગના બનાવો સામે ત્વરિત કામગીરી કરી શકાય તે હેતુથી આ વ્યવસ્થાનો વ્યાપ વધારીને કુલ નવ સ્થળોએ ફાયર ફાઇટર તૈનાત રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ત્રણ મુખ્ય ફાયર સ્ટેશનનો અને અન્ય ચાર હંગામી ફાયર સ્ટેશન ઉપરાંત દરબારગઢ સર્કલ વિસ્તારમાં ફાયર ફાઇટરની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં ઊભા કરવામાં આવેલી ફટાકડા બજારમાં પણ એક ફાયર ફાઇટર તૈનાત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આમ, દર વર્ષે છ સ્થળોની સરખામણીએ આ વખતે વધારાનાં ત્રણ સ્થળો સહિત કુલ નવ સ્થળોએ ફાયર ફાઇટર તૈનાત રાખીને દિવાળીના તહેવારોમાં આગના બનાવો સામે ત્વરિત બચાવ કામગીરી થઈ શકે તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

(4:22 PM IST)