તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 4th July 2026
જામનગર આઈ.ટી.આઈ. દ્વારા ભૂતપૂર્વ તેજસ્વી તાલીમાર્થીઓ માટે યોજાશે ભવ્ય સન્માન સમારોહ : ૧૩ જુલાઈ સુધી ઓનલાઈન નામાંકન મગાવાયા
૧૯૫૭થી કાર્યરત સંસ્થામાંથી પાસ આઉટ થઈને વિશેષ ઉજ્વળ કારકિર્દી બનાવનાર યુવાનોનું વિવિધ કેટેગરીમાં બહુમાન કરાશે : ગૂગલ ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: યુવાનોમાં કૌશલ્ય નિર્માણ કરીને રોજગારી તેમજ સ્વરોજગારીના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવતી જામનગરની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા એક પ્રશંસનીય જાહેરાત કરવામાં આવી છે. વર્ષ ૧૯૫૭થી અવિરતપણે યુવાનોને વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ કોર્ષનું કૌશલ્ય પ્રદાન કરતી જામનગર આઈ.ટી.આઈ. દ્વારા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ સંસ્થાના એવા ભૂતપૂર્વ તેજસ્વી તાલીમાર્થીઓ માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે, જેમણે અહીંથી તાલીમ મેળવીને ઉદ્યોગ કે વ્યવસાય જગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
વિવિધ કેટેગરીમાં ગૌરવવંતું સન્માન કરવામાં આવશે
સંસ્થાના આચાર્ય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, જામનગર આઈ.ટી.આઈ. માંથી કોઈપણ કોર્ષ પૂર્ણ કરી પાસ આઉટ થયેલા અને ત્યારબાદ આઈ.ટી.આઈ. ના શિક્ષણ તથા સ્કીલના જોરે પોતાની વિશેષ અને ઉજ્વળ કારકિર્દી બનાવી સંસ્થાનું નામ રોશન કરનાર ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું આ મંચ પરથી વિવિધ કેટેગરીમાં વિશેષ સન્માન કરવામાં આવશે. આ અનોખા સન્માન આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં તાલીમ લઈ રહેલા નવા તાલીમાર્થીઓ અને અન્ય યુવાઓમાં કૌશલ્ય તેમજ સ્કીલ ડેવલપમેન્ટ પ્રત્યે અભિરુચિ વધે અને તેમને આગળ વધવાની એક પ્રેરણા મળે તેવો રાખવામાં આવ્યો છે.
૧૩ જુલાઈ ૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
આ સન્માન સમારોહનો લાભ લેવા અને પોતાની સિદ્ધિઓ સંસ્થા સમક્ષ રજૂ કરવા માટે ઓનલાઈન નામાંકન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસ્થાના પાસ આઉટ થઈ ચૂકેલા તાલીમાર્થીઓ નિયત ગૂગલ રજીસ્ટ્રેશન ફોર્મની લિંક https://forms.gle/HMrZVEXAvm1b1ttP6 પર જઈને પોતાની કારકિર્દીને લગતી તમામ વિગતો અને માહિતી આગામી તારીખ ૧૩/૦૭/૨૦૨૬ સુધીમાં સબમિટ કરાવી શકશે.
સંસ્થા દ્વારા વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઓનલાઈન નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, સન્માન કાર્યક્રમને લગતી અન્ય વિગતો જેવી કે કાર્યક્રમની ચોક્કસ તારીખ, સમય, સ્થળ અને સમગ્ર રૂપરેખા સત્તાવાર રીતે નક્કી કરીને હવે પછીથી જાહેર માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે. સંસ્થાના આચાર્ય દ્વારા તમામ લાયક અને સફળ ભૂતપૂર્વ તાલીમાર્થીઓને આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
