તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ભારે વરસાદની આગાહીને પગલે જામનગર મનપા એલર્ટ મોડમાં : મેયર શ્રીમતી મોનિકા વ્યાસે ફાયર શાખાની મુલાકાત લઈ પૂર્વતૈયારીઓની કરી સઘન સમીક્ષા
આપત્તિ વ્યવસ્થાપન અન્વયે રેસ્ક્યુ ટીમ, ઈમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા અને સાધનસામગ્રીની ચકાસણી કરાઈ : નાગરિકોની સુરક્ષા માટે મનપા તંત્ર ૨૪ કલાક સતર્ક રહેશે

મુકુંદ બદિયાણી દ્વારા, જામનગર: જામનગર જિલ્લામાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓને આખરી ઓપ આપી વધુ સજ્જ બનાવવામાં આવી રહી છે. સંભવિત આફત અને જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવાના ભાગરૂપે મેયર શ્રીમતી મોનિકા વ્યાસે મનપાની ફાયર શાખાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ફાયર બ્રિગેડ પાસે ઉપલબ્ધ આધુનિક સાધનસામગ્રી, રેસ્ક્યુ ટીમની સ્થિતિ અને ઈમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
વરસાદી પરિસ્થિતિમાં અને પૂર જેવા કટોકટીના સમયે ઉપયોગમાં લેવાતી તમામ જરૂરી સાધનસામગ્રી કાર્યરત છે કે નહીં તેની સમીક્ષા કરી મેયર શ્રીમતી મોનિકા વ્યાસે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને કટોકટીના સમયે તાત્કાલિક કામગીરી કરવા માટે સંપૂર્ણપણે સજ્જ રહેવા આદેશ આપ્યા હતા. તેમણે શહેરના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈપણ ઈમરજન્સીમાં ઝડપી રાહત-બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે મહાનગરપાલિકાના તમામ વિભાગો વચ્ચે પરસ્પર મજબૂત સંકલન જાળવી રાખવા પર ખાસ ભાર મૂક્યો હતો.
ભારે વરસાદની સંભાવનાને આંકતા જામનગર મહાનગરપાલિકાનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર કંટ્રોલ રૂમ મારફતે ૨૪ કલાક સતર્ક રહીને કામગીરી કરશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ કે ઝાડ-વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓમાં ત્વરિત પગલાં ભરી શકાય તે માટે ફાયર વિભાગ અને ઈમરજન્સી ટીમોને રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
