<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડ થી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેનાલ નું સફાઈ કાર્ય હાથ ધરાયું

દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ અને ખોડીયાર કોલોની વિસ્તારની કેનાલ માં આજથી પ્રારંભ: નવનાલા થી વિભાપર સુધી ગાંડી વેલ દૂર કરવા કામગીરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧ : જામનગર શહેરમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી તેજ ગતિએ હાથ ધરવામાં આવી છે. સૌપ્રથમ દરેડથી લાખોટા તળાવ સુધી આવતી ફીડિંગ કેનાલ કે જેમાં સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, અને એક જેસીબી મશીન અને માણસોની મદદથી હાલ પંપ હાઉસ થી લઈને દરેડ સુધીની કેનાલ નું સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે, અને સૌ પ્રથમ આ કેનાલ ની સફાઈ પૂર્ણ કરાશે, જેથી વરસાદી પાણી લાખોટા (રણમલ લેક) તળાવ સુધી પહોંચી શકે.

 ત્યારબાદ દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ની મુખ્ય કેનાલ કે જેનું સફાઈ કાર્ય આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે, સાથો સાથ ખોડીયાર કોલોની વિસ્તારની કેનાલમાં પણ જેસીબી મશીન વગેરે લગાડીને તેમજ સફાઈ કામદારોની મદદથી કેનાલની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.

 ખાસ કરીને નવનાલા-તાડીયા હનુમાન વિસ્તારથી લઈને વિભાપર ગામ સુધી ફેલાયેલી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૨૪ દરમિયાન જૂન માસમાં ગુલાબનગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. તે સમયે પાણીના નિકાલના માર્ગોમાં અવરોધ હોવાના કારણે હાલાકી ઊભી થઈ હતી. આ અનુભવને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ એપ્રિલ માસની શરૂઆતથી મોહનનગર-નારાયણનગર વિસ્તારમાં આવેલા નવનાલા નજીકથી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અહીંથી વિભાપર ગામ સુધી અંદાજે બે કિલોમીટર વિસ્તારમાં સફાઈ અને અવરોધ દૂર કરવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રૂપિયા ૫૦ લાખના ખર્ચે શહેરના કુલ ૫૦ સ્થળોએ પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રંગમતી નદીની કેનાલ સહિત વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવશે.

કાર્યયોજના મુજબ દરેડ ખોડીયાર મંદિરથી પવનચક્કી સુધી, લાલપુર રોડથી પટેલપાર્ક, નંદનવન પાર્કથી મહાવીર પાર્ક, દી. પ્લોટ વિસ્તારથી રામનગર ઢાળિયા, ગોકુલનગરથી સાંઢીવાપુલ વિસ્તાર, મુંબઈ દવાબજાર, ચેમ્બર કોલોની, રવિ બજાર, ઈન્દિરા સોસાયટી, એરફોર્સ ગેટથી સેનાનગર-વાયુનગર, નાગનાથ ગેટથી સ્મશાન, ધૂવાવ નાકાથી આશાપુરા મંદિર તેમજ બચુનગરથી રવિવારી બજાર સુધીના વિસ્તારોમાં સફાઈ અને નિકાલ માર્ગો ખુલ્લા કરાશે.

તે સિવાય વોર્ડ નંબર ૧૨માં સનસિટીથી રંગમતી સોસાયટી, સિલ્વર પાર્કથી પાંચીની ખડકી, ખોડીયાર કોલોની રોડ, સોનલનગરથી કેવડી નદી અને બેડેશ્વર તરફના માર્ગો પણ અવરોધમુક્ત કરવામાં આવશે.

તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, એકાદ માસ બાદ આ કામગીરી પૂર્ણ થતાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના સીધા માર્ગદર્શન આસી. કમિશનર અને કંટ્રોલિંગ ઇન્ચાર્જ મુકેશ વરણવા, સોલિડ વેસ્ટ શાખાના અધિકારી કેતન કટેશીયા, અને રાજભા જાડેજા ની દેખરેખ સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે.

(2:20 PM IST)