તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
જામનગર મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી વિભાગને મળ્યું હાઈટેક બળ : 10 નવા અત્યાધુનિક ફાયર ફાઈટિંગ વાહનોનો ઉમેરો : ઊંચી ઈમારતો માટે 60 મીટર ઊંચું ટર્ન ટેબલ લેડર વાહન પણ આવ્યું
મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ મેઈન ફાયર સ્ટેશન ખાતે તમામ નવા વાહનોની ક્ષમતાનું જાત નિરીક્ષણ કર્યું અને ફાયર કંટ્રોલ રૂમમાં ડાયલ 112 ઈમરજન્સી સેવાની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા : સ્ટાફને ઝડપી રિસ્પોન્સ માટે માર્ગદર્શન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૯ જામનગર શહેરમાં આગ, ભવન ધરાશાયી કે અન્ય કોઈ મોટી કુદરતી-માનવસર્જિત આપત્તિ વખતે તાત્કાલિક અને અસરકારક રેસ્ક્યૂ કામગીરી થઈ શકે તે માટે જામનગર મહાનગરપાલિકાના ફાયર અને આપાતકાલીન સેવા વિભાગને વધુ સુસજ્જ અને સક્ષમ બનાવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કુલ 10 નવા અત્યાધુનિક ફાયર વાહનો અને સાધન-સામગ્રી વસાવવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં વધી રહેલી બહુમાળી ઈમારતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા 60 મીટર સુધીની ઊંચાઈએ બચાવ કામગીરી કરી શકે તેવું અત્યંત આધુનિક 'ટર્ન ટેબલ લેડર' (TTL) વાહન પણ ખાસ ફાળવવામાં આવ્યું છે, જે જામનગર ફાયર વિભાગ માટે મોટી ઉપલબ્ધિ છે.
આજરોજ મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાએ મેઈન ફાયર સ્ટેશન ખાતે રૂબરૂ પહોંચી તમામ નવા વાહનોની કાર્યક્ષમતા, ટેકનિકલ ક્ષમતા અને તેમાં રહેલી આધુનિક સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે ફાયર વિભાગના અધિકારીઓ પાસેથી દરેક વાહન કઈ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરશે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ નિરીક્ષણ દરમિયાન સિટી એન્જિનિયર તથા ચીફ ફાયર ઓફિસર ભાવેશ જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ કમિશનરશ્રીએ ફાયર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ રાજ્ય સરકારની એકીકૃત આપાતકાલીન સેવા 'ડાયલ 112' ની કામગીરીની સમીક્ષા કરી હતી. નાગરિકો તરફથી આવતા આપાતકાલીન ફોન કોલ, તેના પર અપાતો ત્વરિત પ્રતિસાદ, અને પોલીસ-ફાયર-એમ્બ્યુલન્સ વચ્ચેના સંકલનની સમગ્ર પ્રક્રિયાનું તેમણે બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
અંતમાં કમિશનરે ફાયર સ્ટાફ સાથે સીધો સંવાદ કરી નવા વાહનો અને સાધનોની નિયમિત જાળવણી થાય, સ્ટાફ સંપૂર્ણ ટેકનિકલ તાલીમથી સજ્જ રહે અને 112 સેવામાં દરેક કોલ પર સમયસૂચકતા અને સત્વર કામગીરી જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
