News of Wednesday, 25th November 2026
જામનગર મનપાનો ₹414 કરોડથી વધુનો મિલકતવેરો અને પાણી ચાર્જ બાકી : રિકવરી ઝુંબેશ તેજ
2.35 લાખથી વધુ આસામીઓ અને 20,900 બિન-રહેણાંક મિલકતોના વેરા બાકી : GIDCમાં સીલીંગ અને સ્થળ પર વસૂલાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : જામનગર મહાનગરપાલિકાનો મિલકતવેરો અને પાણી ચાર્જ મળીને ₹414 કરોડથી વધુની રકમ બાકી હોવાનું સામે આવ્યું છે, મનપાના ચોપડે 2.35 લાખથી વધુ આસામીઓ અને 20,900 જેટલી બિન-રહેણાંક મિલકતોના વેરા બાકી છે,
બાકી વેરાની વસૂલાત માટે મનપા દ્વારા હવે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, આ ઝુંબેશ અંતર્ગત GIDC ફેઝ-2 અને ફેઝ-3 વિસ્તારમાં મનપાની ટીમો દ્વારા રિકવરી કાર્યવાહી કરવામાં આવી હતી, GIDC વિસ્તારમાં જ ₹17 કરોડનો વેરો બાકી હોવાનું જાણવા મળ્યું છે.
ઝુંબેશ દરમિયાન શિવમ બ્રાસના બે યુનિટના ₹28 લાખના બાકી વેરા પેટે સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે GETCO સબ-સ્ટેશનનો ₹60.44 લાખ વેરો બાકી રહેતા મિલકત સીલ કરવામાં આવી હતી, મનપા દ્વારા બાકી વેરા ભરપાઈ ન કરનાર સામે સીલીંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંકેત આપવામાં આવ્યો છે, બાકીદારોને વહેલી તકે વેરો ભરી દેવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
