<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

જામનગરઃ નયારા એનર્જી દ્વારા જિલ્લા ક્ષય કેન્‍દ્રને ૧૨ વાહનો અને

૧૫ નિદાન મશીનની સહાય, ટીબી નાબૂદી અભિયાનને મળશે વેગ સીએસઆર હેઠળ ૧ ફોર-વ્‍હીલર અને ૧૧ ટુ-વ્‍હીલર અર્પણ, લાલપુર CHCને ટુએનાટ મશીન અને ૧૫ PHCને માઇક્રોસ્‍ક્રોપની ભેટ, ૮૦૦૦ દર્દીઓને પોષણ કીટ પણ અપાય છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તઃ.૨૧: આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્‍ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્‍સ કંપની નયારા એનર્જીએ ક્ષય નાબૂદી અભિયાનને વધુ વેગ આપવા માટે જિલ્લા ક્ષય કેન્‍દ્રને ૧ ફોર-વ્‍હીલર અને ૧૧ ટુ-વ્‍હીલર મળી કુલ ૧૨ વાહનોની સહાય અર્પણ કરી છે. આ ઉપરાંત ટીબીના નિદાન માટે જરૂરી એવા ૧૫ મશીન યુનિટ પણ જિલ્લા આરોગ્‍ય તંત્રને સુપ્રત કરવામાં આવ્‍યા છે. નયારા એનર્જીની આ સીએસઆર પહેલથી પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાનને મજબૂતી મળશે.

૧૯ મે ૨૦૨૬ના રોજ નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીના પ્રવેશદ્વાર પાસે યોજાયેલા કાર્યક્રમમાં રિફાઇનરી હેડ શ્રી અમરકુમાર અને લીડરશીપ ટીમના સભ્‍યોના હસ્‍તે જિલ્લા ક્ષય કેન્‍દ્રના વડા અને જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તથા તેમની ટીમને વાહનોની ચાવી સુપ્રત કરી તમામ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યા હતા.

આ સહાયમાં જિલ્લા ટીમને ફિલ્‍ડ મોનીટરીંગ માટે એક યુટીલીટી ફોર-વ્‍હીલર વાહન અને સિનિયર ટ્રીટમેન્‍ટ સુપરવાઈઝર, સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર તથા ડિસ્‍ટ્રીકટ કો-ઓર્ડીનેટર્સ માટે ૧૧ ટુ-વ્‍હીલરનો સમાવેશ થાય છે. સાથે જ લાલપુર કોમ્‍યુનિટી હેલ્‍થ સેન્‍ટર માટે એક ટ્રુએનાટ મશીન અને જિલ્લાના ૧૫ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો માટે માઇક્રોસ્‍ક્રોપ પણ અર્પણ કરાયા હતા.

નયારા એનર્જી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨થી ક્ષયના દર્દીઓને પોષણ મળી રહે તે માટે પોષણ કીટની સહાય પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં જિલ્લાના ૮૦૦૦ દર્દીઓને ૧૬૦૦૦ પોષણ કીટ પૂરી પાડવામાં આવી રહી છે. ક્ષય કેન્‍દ્ર દ્વારા કરવામાં આવેલા મૂલ્‍યાંકનના આધારે શોધ, સારવાર, નિવારણ અને નિર્માણ એમ ચાર સ્‍તંભોને વધુ સુદ્રઢ બનાવવા કંપનીએ ઔદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે આ સહાય જાહેર કરી હતી.

નયારા એનર્જીના આ સહયોગથી જિલ્લા ક્ષય કેન્‍દ્રને મોલેકયુલર પરીક્ષણ, ફોલો-અપ્‍સ, કોન્‍ટેક્‍ટ ટ્રેસીંગ માટે ગતિશીલતા, પ્રારંભિક સારવારમાં ઝડપ જેવી પ્રાથમિક અને મહત્‍વની આરોગ્‍ય પ્રણાલીઓને મજબૂતી મળશે અને દૂર-દૂરના વિસ્‍તારોમાં પણ આરોગ્‍ય સેવા ઝડપથી પહોંચાડી શકાશે.

(10:55 AM IST)