<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જામનગર પીજીવીસીએલની લોક અદાલતમાં ગ્રાહકો સાથે પરસ્પર સમજૂતીથી ૯૬૬ કેસોનું સફળ સમાધાન : રૂ. ૨.૮૪ કરોડના દાવા સામે રૂ. ૨.૧૩ કરોડથી વધુ રકમનું સેટલમેન્ટ કરાયું

પ્રી-લિટિગેશનના ૯૧૫ અને લિટિગેશનના ૫૧ કેસોમાં વિવાદોનો ઝડપી અને સરળ ઉકેલ લાવી ગ્રાહક સંતોષ વધારાયો : લોક અદાલતના મંચ પર જ રૂ. ૧.૧૪ કરોડથી વધુની રકમની રોકડી વસૂલાત થતાં નોંધપાત્ર સફળતા મળી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર સર્કલ પીજીવીસીએલ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં ગ્રાહકોના વિદ્યુત બિલ સંબંધિત વિવિધ વિવાદો અને પડતર પ્રશ્નોનું પરસ્પર સમજૂતીથી સફળતાપૂર્વક નિવારણ લાવવામાં આવ્યું છે. ગ્રાહકોને ઝડપી, સરળ અને સસ્તો ન્યાય મળી રહે તેવા મુખ્ય હેતુ સાથે આયોજિત આ લોક અદાલત ગ્રાહક સંતોષની દ્રષ્ટિએ ખૂબ જ સફળ રહી છે. લોક અદાલત દરમિયાન વીજ કંપની દ્વારા કુલ ૯૬૬ કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. આ તમામ કેસોમાં અંદાજે રૂ. ૨.૮૪ કરોડની રકમના દાવાઓ પડતર હતા, જેની સામે જામનગર સર્કલ દ્વારા રૂ. ૨.૧૩ કરોડ (૨૧૩.૬૯ લાખ) જેવી માતબર રકમનું સેટલમેન્ટ મંજૂર કરવામાં આવ્યું હતું. લોક અદાલતની આ પ્રોસેસ દરમિયાન ગ્રાહકોના ઉત્સાહજનક પ્રતિસાદને પગલે રૂ. ૧.૧૪ કરોડ (૧૧૪.૩૯ લાખ) થી વધુની રકમ ગ્રાહકો પાસેથી સ્થળ પર જ રોકડેથી વસૂલ કરવામાં આવી હતી.

 

 પ્રી-લિટિગેશનના ૯૧૫ કેસોમાં રૂ. ૧.૮૪ કરોડનું સેટલમેન્ટ, ૧ કરોડ સ્થળ પર વસૂલાયા:

આ કાનૂની સમાધાન પ્રક્રિયામાં સૌથી વધુ કેસો પ્રી-લિટિગેશન કક્ષાના નિકાલ કરવામાં આવ્યા હતા. પીજીવીસીએલના સત્તાવાર આંકડા મુજબ, પ્રી-લિટિગેશન હેઠળ આવતા કુલ ૯૧૫ કેસોનું પરસ્પર સમજૂતીથી ઓન-ધ-સ્પોટ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં ગ્રાહકો સામે અંદાજે રૂ. ૨.૪૬ કરોડની રકમના વીજ બિલના દાવાઓ હતા, જેની સામે લાંબી કાનૂની પ્રક્રિયાથી બચવા માટે રૂ. ૧.૮૪ કરોડ (૧૮૪.૮૫ લાખ)ની રાહતદાયક રકમનું સેટલમેન્ટ મંજૂર રખાયું હતું. આ સેટલમેન્ટ બાદ ગ્રાહકો દ્વારા પતાવટ પેટે રૂ. ૧.૦૦ કરોડ (૧૦૦.૯૦ લાખ)ની મસમોટી રકમ લોક અદાલતના સ્થળ પર જ જમા કરાવી દેવામાં આવી હતી.

 

 લિટિગેશનના ૫૧ કેસોમાં પણ વિવાદો ઉકેલાયા, ૨૮.૮૪ લાખનું સમાધાન:

કોર્ટ કચેરી સુધી પહોંચેલા લિટિગેશનના કેસોમાં પણ આ લોક અદાલત આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. અદાલતમાં પડતર હોય તેવા લિટિગેશન કક્ષાના કુલ ૫૧ કેસોમાં બંને પક્ષોની સહમતીથી નિકાલ લાવવામાં આવ્યો હતો. આ ૫૧ કેસોમાં વીજ કંપનીના અંદાજે રૂ. ૩૭.૮૯ લાખના દાવાઓ સામેલ હતા, જેમાં તંત્ર દ્વારા વ્યાજબી વલણ અપનાવીને રૂ. ૨૮.૮૪ લાખની રકમનું આખરી સમાધાન સ્વીકારવામાં આવ્યું હતું. આ સમાધાન બાદ સંબંધિત ગ્રાહકો તરફથી રૂ. ૧૩.4૯ લાખની લેણી રકમની વસૂલાત પણ સ્થળ પર જ કરી લેવામાં આવી હતી.

 

પીજીવીસીએલ પ્રશાસન દ્વારા સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, લોક અદાલત યોજવા પાછળનો મુખ્ય આશય ગ્રાહકોના વીજ બિલ અને કનેક્શનને લગતા જૂના વિવાદોનો કોઈ પણ પ્રકારની કડવાશ વગર, ઝડપી અને પરસ્પર મંત્રણાથી કાયમી ઉકેલ લાવવાનો છે. જામનગર સર્કલની આ વિશેષ લોક અદાલતમાં ખૂબ જ મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થતાં અનેક ગ્રાહકોને વર્ષો જૂની કાનૂની ગૂંચવણોમાંથી મોટી રાહત મળી છે અને વિવાદ નિવારણ ક્ષેત્રે પીજીવીસીએલને એક મોટી અને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.

(6:09 PM IST)