<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

જામનગરમાં 'સુરેશ ફરસાણ'ના ચવાણામાંથી તળાયેલી ગરોળી નીકળતા ખળભળાટ; મનપા ફૂડ શાખાએ પેઢીને 3 દિવસ માટે કરી સીલ

જ્યાં સુધી તમામ સુધારાનું કામ પૂર્ણ ન થાય, જરૂરી ડોક્યુમેન્ટ રજૂ ન કરાય અને ફૂડ વિભાગ દ્વારા આગામી મંજૂરી ન આપવામાં આવે ત્યાં સુધી દુકાન નહીં ખોલવા સ્પષ્ટ આદેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭ : જામનગર શહેરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી 'સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ'ની દુકાનના ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી નીકળવાની ગંભીર ઘટના સામે આવતા ખાણીપીણીના શોખીનોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે ગ્રાહકની રૂબરૂ ફરિયાદના પગલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક દરોડા પાડી સઘન તપાસ હાથ ધરી હતી અને ગંભીર બેદરકારી બદલ પેઢીને 3 દિવસ સુધી બંધ રાખવાનો હુકમ કર્યો છે.

 

અડધું પેકેટ ખાધા બાદ ગરોળી દેખાતા ગ્રાહક ચોંકી ઉઠ્યા

ઘટનાની વિગતો મુજબ, એક ગ્રાહક બે-ત્રણ દિવસ પહેલા નાગનાથ ગેટ પાસે આવેલ 'સુરેશ ફરસાણ એન્ડ સ્વીટ'માંથી ચવાણાનું પેકેટ ખરીદીને ઘરે લઈ ગયા હતા. ગઈકાલે આ પેકેટ ખોલવામાં આવ્યું હતું અને પરિવારજનોએ અડધું પેકેટ ચવાણું ખાઈ લીધા બાદ અંદર લોટવાળી પેકિંગમાં તળાયેલી હાલતમાં મૃત ગરોળી જોવા મળી હતી. આ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક મનપાની ફૂડ શાખાને જાણ કરી હતી અને ત્યારબાદ ફૂડ શાખાની ટીમ સાથે ચવાણાનું પેકેટ લઈને દુકાને પહોંચ્યા હતા, જ્યાં દુકાનદાર અને અધિકારીઓની રૂબરૂમાં પેકેટ ખોલીને અંદરથી નીકળેલી ગરોળી બતાવી હતી.

રસોડામાં ખુલ્લી બારીઓ અને ખરાબ તેલ જોવા મળ્યું

ફરિયાદ મળતા જ ફૂડ શાખાની ટીમે દુકાન અને રસોડામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ પણ મળી આવ્યું હતું, જેથી ટીમ દ્વારા ખાદ્યચીજો અને તેલના નમૂના (સેમ્પલ) લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રસોડામાં બારીઓ ખુલ્લી હોવાથી ત્યાંથી ગરોળી કે જીવજંતુ અંદર આવવાની પૂરી શક્યતા હોવાનું જણાતા તમામ બારીઓ પર જાળી લગાવવા કડક સૂચના આપવામાં આવી છે.

અગાઉ ₹5,000નો દંડ ફટકારવા છતાં નહોતો થયો કોઈ સુધારો

આ અંગે ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને રૂબરૂ ફરિયાદ મળી હતી કે સુરેશ ફરસાણમાંથી ગરોળી નીકળી છે, જેના આધારે અમે તપાસ કરી હતી. અગાઉ પણ ગત 13 ઓક્ટોબરના રોજ અમે આ પેઢીની મુલાકાત લઈને સ્વચ્છતા અને સુધારા માટેના જરૂરી પોઈન્ટ આપ્યા હતા તેમજ ₹5,000નો દંડ પણ ફટકાર્યો હતો. પરંતુ આજ રોજ તપાસ કરતા તેમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી."

 

3 દિવસ દુકાન બંધ રાખવા નોટિસ

લોકોના આરોગ્ય સાથે થતા ગંભીર ચેડાંને ધ્યાનમાં રાખીને ફૂડ શાખાએ કડક વલણ અપનાવ્યું છે. હાલ પૂરતી આ પેઢીને 3 દિવસ માટે બંધ કરાવવામાં આવી છે અને જ્યાં સુધી તમામ સુધારાનું કામ પૂર્ણ ન થાય, જરૂરી ડોક્યુમેન્ટ રજૂ ન કરાય અને ફૂડ વિભાગ દ્વારા આગામી મંજૂરી ન આપવામાં આવે ત્યાં સુધી દુકાન નહીં ખોલવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 PM IST)