<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જામનગરમાં મેઘરાજાની સંતાકૂકડીથી નગરજનો અને જગતનો તાત ચિંતાતુર : આકાશમાં વાદળોની ફોજ છતાં માત્ર છાંટા પડ્યા

લાલપુરમાં માત્ર ૩ મીમી વરસાદ નોંધાયો : ૭૪ ટકા ભેજ અને ૩૬ ડિગ્રી તાપમાનને કારણે અસહ્ય ઉકળાટ અને બફારો વધતાં લોકો ત્રાહિમામ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: હાલાર પંથકમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવા છતાં મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ અને ઠંડા પવનના સુસવાટા વચ્ચે પણ નોંધપાત્ર વરસાદ ન પડતાં સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.

માત્ર સામાન્ય ઝાપટાં પડતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યું:
ગઈકાલે બપોર પછી જામનગર શહેરમાં અચાનક આકાશ ઘેરાઈ આવ્યું હતું અને ભારે વરસાદ પડશે તેવી આશા જાગી હતી. જોકે, મેઘરાજાએ નગરજનોને ફરી એકવાર હાથતાળી આપી હતી. રાત્રે ૧૦ વાગ્યાના સુમારે શહેરના ગણતરીના વિસ્તારોમાં માત્ર હળવા છાંટા અને સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું અને થોડી જ વારમાં વરસાદ બંધ થઈ જતાં લોકો નિરાશ થયા હતા. જામનગર શહેર ઉપરાંત લાલપુર તાલુકામાં પણ આજે સવારે માત્ર ૩ મીમી જેટલો નજીવો વરસાદ નોંધાયો હતો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકા મથકો કોરાધાકોર રહ્યા હતા.

અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન, ખેડૂતોની નજર આકાશ તરફ:
વરસાદ ખેંચાવાના કારણે સૌથી વધુ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે, જેઓ પોતાના વાવેતર બચાવવા માટે પૂરતા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, આજે જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬.૦ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૮.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા જેટલું ઊંચું રહેવાની સાથે પવનની ગતિ ૧૫.૯ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. વાદળછાયા વાતાવરણ અને ભેજવાળા હવામાન વચ્ચે વરસાદ ન પડતાં લોકો અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે. જોકે, હજુ પણ વાદળોની હાજરી હોવાથી આગામી દિવસોમાં સારો વરસાદ થશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

(9:27 AM IST)