<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

જામનગર પર જળસંકટના વાદળો: જળાશયોમાં પાણીનો જથ્થો તળિયે, માત્ર ૩૧ જુલાઈ સુધી જ ચાલશે પીવાનું પાણી!

ચોમાસું ખેંચાતા જામનગર મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું, 'સૌની યોજના' અને નર્મદાના પાણી પર મીટ: નાગરિકોમાં ઉગ્ર રોષ

જામનગર: જામનગર શહેર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરની જીવાદોરી સમાન જળાશયોમાં પાણીનો લાઈવ જથ્થો હવે અંતિમ તબક્કે પહોંચ્યો છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ, હાલમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો માત્ર ૩૧ જુલાઈ સુધી જ ચાલે તેમ છે. જો સમયસર વરસાદ નહીં આવે, તો જામનગરવાસીઓએ આગામી દિવસોમાં ગંભીર જળસંકટનો સામનો કરવો પડી શકે છે.

તંત્રની તૈયારીઓ અને વિકલ્પો

આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે મનપાનું તંત્ર અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. સિંચાઈ વિભાગ સાથે સતત સંકલન સાધીને પાણીના અનામત જથ્થાને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો વરસાદમાં વિલંબ થાય, તો રાજ્ય સરકારની મહત્વકાંક્ષી 'સૌની યોજના' હેઠળ નર્મદાના નીર ઠાલવીને ડેમો ભરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત, દૈનિક ધોરણે મળતા નર્મદાના પાણીના જથ્થામાં વધારો થાય તે માટે ઉચ્ચ કક્ષાએ પત્રવ્યવહાર અને રજૂઆતો શરૂ કરવામાં આવી છે.

દૈનિક જરૂરિયાત અને વાસ્તવિક સ્થિતિ

જામનગર શહેરને દૈનિક ૧૫૫ MLD પાણીની જરૂરિયાત રહે છે, જે સસોઈ, રણજિત સાગર, ઉન્ડ-૧ અને આજી-૩ ડેમ તથા નર્મદા લાઈન દ્વારા પૂરું પાડવામાં આવે છે. પરંતુ એક તરફ તંત્ર આગોતરા આયોજનના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ જામનગરના નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાંથી અનિયમિત પાણી પુરવઠો, અપૂરતું પાણી અને પ્રદૂષિત પાણી મળવાની ફરિયાદોનો રાફડો ફાટ્યો છે.

લોકોનો આક્રોશ

તંત્રના દાવા અને લોકોની મુશ્કેલી વચ્ચે જમીની હકીકત ક્યાંક અલગ જ દેખાઈ રહી છે. પાણીની ગુણવત્તા અને વિતરણ વ્યવસ્થા સામે ઉઠતા પ્રશ્નો દર્શાવે છે કે જામનગરવાસીઓ અત્યારે જ પાણીની અછત અનુભવી રહ્યા છે. ત્યારે જો વરસાદ ખેંચાશે, તો આ સ્થિતિ વિકટ બની શકે છે. શું વહીવટી તંત્ર સમયસર વૈકલ્પિક વ્યવસ્થાઓ ગોઠવીને જામનગરને પાણીની કટોકટીમાંથી બચાવી શકશે? તે જોવું આગામી સમયમાં મહત્વનું બની રહેશે.

(10:38 PM IST)