<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

“પહેલા મતદાન પછી જાન પ્રસ્થાન”: લગ્ન મંડપે જતા પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવયુવાન કિશને નિભાવી લોકશાહીની ફરજ

જામ કલ્યાણપુરના ગાંગડી ગામના કિશન ચેતરીયાએ સંસારિક જીવનની શરૂઆત પહેલા કર્યું મતદાન, યુવાનોને કરી મતાધિકાર વાપરવા અપીલ; ગ્રામજનોએ વધાવ્યો નિર્ણય

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬  : વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં મતદાર જ લોકશાહીનો મુખ્ય આધાર સ્તંભ છે. આ વાતને સાર્થક કરતો કિસ્સો જામ કલ્યાણપુર તાલુકાના ગાંગડી (વીરપુર) ગામે જોવા મળ્યો છે. અહીંના નવયુવાન કિશન ચેતરીયાએ પોતાના લગ્ન દિવસે જાન પ્રસ્થાન કરતા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.

 

રવિવારે કિશન ચેતરીયાના લગ્ન હતા. સવારે જાન પ્રસ્થાનની તૈયારીઓ વચ્ચે પણ કિશને પહેલા મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ જ તેણે જાન પ્રસ્થાન કરાવ્યું હતું. કિશને જણાવ્યું કે, સંસારિક જીવનમાં પગલી માંડતા પહેલા દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવી જરૂરી છે.

 

મતદાન બાદ કિશન ચેતરીયાએ ગ્રામજનો અને ખાસ કરીને નવ યુવાનોને મતદાન કરવા અપીલ કરી હતી. તેણે કહ્યું કે, મજબૂત લોકશાહી માટે દરેક મત કિંમતી છે. કિશનના આ નિર્ણયને ગ્રામજનોએ બિરદાવ્યો હતો અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો.

 

ગાંગડી ગામના મતદાન મથક પર વરરાજાના પોશાકમાં મતદાન કરવા આવેલા કિશનને જોઈને અન્ય મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

(12:31 PM IST)