<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

જયરાજસિંહ જાડેજા ગોંડલ આવીને સુપ્રિમ કોર્ટનું ઉલ્લંઘન કરે છેઃ જગદીશ સટોડીયાના પ્રહારો

ગુજરાત રાજયની બહાર રહેવુ અને કોર્ટની પરમિશન વગર પ્રવેશવાની મનાઇ છતા જાહેરમાં ધમકીઓ આપતા હોવાના આક્ષેપ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૨ : થોડા સમય શાંત રહેલુ ગોંડલ નું રાજકારણ સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ની ચુંટણીઓ બાદ ફરી ધગધગતું બન્‍યું છે.  પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ  જાડેજા વિરુદ્ધ નિલેશ રૈયાણી હત્‍યા કેસમાં મળેલી જામીન મુક્‍તિને પડકારતી અને જામીન રદ કરવાની માંગ કરતી રજુઆત સુપ્રીમ કોર્ટ, રાજ્‍યનાં પોલીસ વડા, રેન્‍જ આઇજી, રાજ્‍યપાલ તથા રાજ્‍ય સરકાર ને કરાઇ છે. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.

 નિલેશ રૈયાણી હત્‍યા કેસ નાં ફરિયાદી જયેશભાઈનાં ભાઈ જગદીશભાઈ મુળજીભાઈ સટોડિયા દ્વારા ગુજરાત સરકારના કાયદા વિભાગ અને સુપ્રીમ કોર્ટમાં આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.  જગદીશભાઈ સટોડિયાએ રજૂ કરેલા દસ્‍તાવેજો મુજબ, જયરાજસિંહ જાડેજાને હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, જેની સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ નંબર ૧૫૩૭/૨૦૧૭ થી કરી હતી. સુપ્રીમ કોર્ટે જયરાજસિહ ને અમુક કડક શરતો સાથે જામીન આપ્‍યા હતા, જેમાં મુખ્‍ય શરત ગુજરાત રાજ્‍યની બહાર રહેવું અને કોર્ટની પૂર્વ મંજૂરી વિના રાજ્‍યમાં પ્રવેશ ન કરવાની હતી. અરજીમા આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે જયરાજસિંહ જાડેજા અવારનવાર ગુજરાતમાં અને ખાસ કરીને ગોંડલ તેમજ આસપાસના વિસ્‍તારોમાં કોર્ટની પરવાનગી વગર હાજર રહે છે. જગદિશ સટોડિયા નો દાવો છે કે ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના પરિણામો બાદ ગોંડલના કોલેજ ચોક ખાતે યોજાયેલી ભાજપ ની વિજય સભામાં જયરાજસિંહે ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી અને મહિલાઓ વિશે અભદ્ર ટિપ્‍પણીઓ કરી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે જયરાજસિંહે દર સોમવારે ગોંડલ સીટી એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં હાજરી પુરાવવાની હોય છે, પરંતુ તેઓ રૂબરૂ હાજર રહેવાને બદલે સત્તાના જોરે અથવા અન્‍ય રીતે હાજરી પુરાવી જામીન શરતોનો ભંગ કરી રહ્યા છે.   અરજદારે માંગ કરી છે કે છેલ્લા ત્રણ મહિનાના એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો આરોપીની ગેરહાજરી અને નિયમોના ભંગના પુરાવા મળી શકે તેમ છે.જગદીશભાઈ સટોડિયાએ રજુઆત માં કહ્યું કે જયરાજસિંહ જાડેજા સતત કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાથી અને સાક્ષીઓને ડરાવી રહ્યા હોવાથી, તેમની જામીન અરજી તાત્‍કાલિક રદ કરવામાં આવે અને તેમને જેલ હવાલે કરવામાં આવે. આ સાથે  તેમણે વિજય સભાના વીડિયો અને અન્‍ય પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.

 વધુમાં જગદીશભાઈ સટોડિયાએ આક્ષેપ કર્યો કે હાલ સુપ્રીમ કોર્ટ માં નિલેશ રૈયાણી હત્‍યા કેસ ઘણા સમય થી પેન્‍ડીંગ છે.ગુજરાત સરકાર જયરાજસિંહ નાં બચાવ માટે આ કેસ ચાલવા દેતી નથી.જો આમ જ ચાલ્‍યું તો અમારે સુપ્રીમમાં પીટીશન દાખલ કરવી પડશે.

(11:38 AM IST)