<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

જેતપુરમાં વ્‍યાજખોરો બંધુઓએ ૪૮ લાખ વસુલી ૧૮ લાખની ઉઘરાણી કરી મકાનનું સાટ્ટાખત કરાવી લીધુ

પિતાની બિમારીની સારવાર માટે રિઝવાનભાઇ વ્‍યાજના ચક્રમાં ફસાયો : વ્‍યાજખોર દિલીપ અને ભૂપત જલુ સામે પોલીસમાં ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૮  શહેરના એક મધ્‍યમવર્ગીય યુવાને પિતાની બીમારી વખતે લીધેલી રકમ સામે ૩.૫ ટકા લેખે લાખો રૂપિયાનું વ્‍યાજ ચૂકવતો હોવા છતાં, વસૂલાત કરવા, કોરા ચેક કઢાવી લેવા, રહેણાંક મકાનનું બળજબરીથી સાટા ખત કરાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે વ્‍યાજખોર ભાઈઓ વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ થઇ છે.

અત્રેના ખોડપરા સુભાષ ચોકમાં રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા રીઝવાનભાઈ લુલાણીયા એ શહેર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સને ૨૦૧૮માં પિતા હૃદયની બીમારી ની સારવાર માટે દિલીપ જલુ પાસેથી રૂા. ૫ લાખ ૩.૫ ટકા વ્‍યાજે લીધા હતા, જેના સિકયુરિટી પેટે બેંકના કોરા ચેક આપ્‍યા હતા. દર મહિને સાડા આઠ હજાર રૂપિયા વ્‍યાજ નિયમિત ચૂકવ્‍યું હોવા છતાં વ્‍યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. બાદમાં સને ૨૦૨૧ અને સને ૨૦૨૨માં પણ હાથ ઉછીના સાત-સાત લાખ રૂપિયા  વ્‍યાજે લીધા હતા. કુલ ૩૧ લાખ રૂ. વ્‍યાજે લીધેલ માસિક રૂા. ૧,૦૪,૦૦૦/- વ્‍યાજ ચૂકવવાનું થતું હોય જેની સામે કુલ ૪૮ લાખ રૂપિયા ચૂકવી દીધેલ હોય છતાં મૂડી બાકી હોવાનું જણાવી. ત્રાસ વધ્‍યો હતો.

બે વર્ષ પૂર્વે ઓગસ્‍ટ મહિનાથી વ્‍યાજ આપવાનું બંધ કરતાં રિઝવાનભાઇ ના ખોડપરા વાળા મકાનનું સાટા ખત કરી આપવાનું દબાણ કરી ધમકીઓ આપી બળજબરીથી મકાનનો સાટા ખત કરાવી લીધૂ હતું. વધુમાં બનેવી સિરાજભાઇ તથા બહેન અશ્‍માબેનના કોરા ચેક કઢાવી બેંકના ચેકોનો દુરુપયોગ કરી ખોટો કેસ કર્યો હતો. હજુ રૂા. ૧૮ લાખની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય અંતે કંટાળી દિલીપ અને ભુપત જલુ વિરુદ્ધ શહેર પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૬, ૨૬૪(બી), ૧૧૪ તેમજ ગુજરાત નાણાં ધીરનાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ની કલમ ૪૦, ૪૨ મુજબ બન્ને વિરુદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી કરેલ છે.

 

(1:26 PM IST)