<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જેતપુર-રાજકોટ સિક્‍સ લેન રોડ હજુ દોઢ વર્ષ દૂરઃ ખર્ચ ૧૨૦૦ કરોડથી વધી ૧૫૦૦ કરોડે પહોંચશે

બે વર્ષમાં પૂર્ણ થનાર પ્રોજેક્‍ટને થયા ચાર વર્ષઃ હવે જૂન ૨૦૨૭માં કામ પૂર્ણ થવાની જાહેરાતઃ કોરાટ ચોક એલિવેટેડ ઓવરપાસને કારણે વિલંબઃ વાહનચાલકો તૂટેલા રોડ પર ટોલ ભરી ત્રાસી ગયા

(કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.૧૪:  જેતપુરથી રાજકોટ સિક્‍સ લેન હાઇવેનું કામ હજુ દોઢ વર્ષ બાદ એટલે કે જૂન ૨૦૨૭માં પૂર્ણ થશે. ૧૨૦૦ કરોડના ખર્ચે મંજૂર થયેલો પ્રોજેક્‍ટ હવે ૧૫૦૦ કરોડે પહોંચી ગયો છે. બે વર્ષમાં રોડ પૂર્ણ થવાના વાયદાને ચાર વર્ષ થયા છતાં કામ અધૂરું છે, જેના કારણે વાહનચાલકોને હજુ દોઢ વર્ષ સુધી ઉબડખાબડ રોડ પર ટોલ ચૂકવી મુસાફરી કરવી પડશે.

સપ્‍ટેમ્‍બર ૨૦૨૨માં પોરબંદરના તત્‍કાલીન સાંસદ રમેશભાઈ ધડૂકે જેતપુરના ધારેશ્વર ખાતે જેતપુરથી રાજકોટ સિક્‍સ લેન રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્‍યારે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ રોડ બે વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે બે વર્ષના ચાર વર્ષ થવા છતાં હજુ કામ પૂર્ણ થયું નથી.

રાજકોટ પાસે કોરાટ ચોક ખાતે એલિવેટેડ ઓવરપાસ મંજૂર કરવામાં આવતા કામમાં વધુ વિલંબ થયો છે. જાન્‍યુઆરી ૨૦૨૭ સુધીમાં ૨૮ ઓવરપાસ બની રોડ ખુલ્‍લો મૂકવાનો હતો, તે હવે જૂન ૨૦૨૭માં ખુલ્‍લો મુકાશે. આ એલિવેટેડ ઓવરપાસને કારણે પ્રોજેક્‍ટનો ખર્ચ પણ ૧૨૦૦ કરોડથી વધીને ૧૫૦૦ કરોડે પહોંચી જશે.

જેતપુરથી રાજકોટ વચ્‍ચેના ૬૭ કિમીમાં કુલ ૨૮ જેટલા નાના-મોટા બ્રિજ બનાવવાના હતા. જેમાંથી ૧૪ જેટલા બ્રિજ બની ગયા છે અને તેના પર વાહન વ્‍યવહાર ચાલુ થઈ ગયો છે. બાકીના બ્રિજ જાન્‍યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે. જ્‍યારે કોરાટ ચોક પાસેનો ઓવરપાસ જૂન ૨૦૨૭માં પૂર્ણ થશે.

વાહનચાલકોએ રોષ ઠાલવતા જણાવ્‍યું કે, ફોર ટ્રેક રોડ વખતે જેતપુરથી રાજકોટનું અંતર દોઢ કલાકમાં કપાતું હતું, તે અત્‍યારે સિક્‍સ લેનના કામને કારણે ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે. ઠેરઠેર તૂટેલ રોડ, કલાકો સુધી ટ્રાફિકજામ અને ધૂળની ડમરીઓ હોવા છતાં ૩૫ કિમીના અંતર વચ્‍ચે બે ટોલ પ્‍લાઝાનો ટોલ ચૂકવવો પડે છે.

એક વાહનચાલકે જણાવ્‍યું, પહેલા કરતા વધુ ડીઝલ વપરાય છે, ઉપરથી પહોંચતા વાર વધુ લાગે છે. છેલ્‍લા ત્રણ વર્ષથી આ સહન કરીએ છીએ. સમય અને પૈસા બંને બરબાદ થાય છે. હવે આ રોડનો અંત ક્‍યારે આવશે?

તત્‍કાલીન સમયે NHAI દ્વારા જાહેર કરાયું હતું કે સિક્‍સ લેન રોડ બે વર્ષમાં બની જશે અને જેતપુરથી રાજકોટ માત્ર એક કલાકમાં પહોંચી જવાશે. જેનાથી દૈનિક ૪૫ લાખ રૂપિયાનું ઇંધણ તેમજ દરરોજ ૧૧,૨૫૦ માનવ કલાકો બચશે. પરંતુ ચાર વર્ષ વીત્‍યા છતાં રોડનું કામ પૂર્ણ થયું નથી અને હવે કુલ સાડા પાંચ વર્ષે કામ પૂર્ણ થશે તેવી જાહેરાત થઈ છે.

હવે જોવાનું એ રહ્યું કે ખરેખર આગામી દોઢ વર્ષમાં આ રોડ શરૂ થઈ જશે કે કેમ, કારણ કે સરકારી કામગીરી જાહેર થયેલ તારીખે પૂર્ણ થતી હોવાના દાખલા ઓછા છે.

(10:25 AM IST)