<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ગોંડલમાં દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને તકેદારી અંગે જ્‍વેલર્સનાં વેપારીઓ તથા આંગડીયા પેઢીનાં સંચાલકો સાથે ડીવાયએસપીની બેઠક

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૫: ગોંડલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્‍યારે ગોંડલ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન નાણાકીય લેવડ-દેવડ અને સોના-ચાંદીની ખરીદી વધતી હોવાથી તકેદારીના ભાગરૂપે ગોંડલ સિટી એ અને બી ડિવીઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવતી તમામ આંગડિયા પેઢીઓ તથા જ્‍વેલર્સના વેપારીઓ સાથે ખાસ તકેદારી બેઠક યોજવામાં આવી હતી.

ડીવાયએસપી  કે. જી. ઝાલાએ જણાવ્‍યા અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને રાજકોટ ગ્રામ્‍ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્‍વયે આ બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી ગુજરાત તરફથી મળેલા પત્ર અને માર્ગદર્શિકા મુજબ તમામ આંગડિયા પેઢીઓ અને જ્‍વેલર્સ શોપમાં સીસીટીવી કેમેરા લગાવવા અંગે સમજ આપવામાં આવી હતી. જ્‍વેલર્સની દુકાનોની બહાર મુખ્‍ય રસ્‍તો પણ સ્‍પષ્ટ રીતે કવર થાય તે મુજબ સીસીટીવી ગોઠવવા સૂચના અપાઈ છે.

આ ઉપરાંત આંગડિયા પેઢી કે જ્‍વેલર્સ શોપ આસપાસ કોઈ પણ અજાણી કે શંકાસ્‍પદ વ્‍યક્‍તિ જણાતાં અથવા મોઢું બાંધીને ફરતા લોકો દેખાય તો તાત્‍કાલિક ૧૧૨ નંબર પર કોલ કરવા અથવા ગોંડલ સિટી એ કે બી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યું છે. તહેવારોનો માહોલ સુરક્ષિત રહે અને પ્રજા સાવચેતી સાથે દિવાળીની ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા વેપારીઓ અને નાગરિકોને સહયોગ આપવા અપીલ કરાઈ છે

(10:40 AM IST)