<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ભાવનગરમાં બંધ મકાનમાં સવા સાત લાખના દાગીનાની ચોરી

મકાનમાં કબાટનું લોક તોડી સવા પાંચ તોલા સોનું ચોરાયું: વ્‍હોરા મહિલા દ્વારા રાવ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૫: મામા કોઠા રોડ પર આવેલા ગજ્જરના ચોક પાસેના એક મકાનમાંથી કબાટમાં રાખેલા સોનાના કિંમતી દાગીનાની ચોરી થવાની ગંભીર ઘટના સામે આવી છે. તસ્‍કરો લાકડાના કબાટનું લોક તોડીને અંદર મૂકેલા આશરે રૂા.૭.૨૫ લાખની કિંમતના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.

નુર મેડિકલ સામે રહેતા ખદિજાબેન ફેઝારભાઈ કપાસીએ ગંગાજળિયા પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ આઠ માસ પહેલાં જૂના ઘરેથી નવા ઘરે રહેવા આવ્‍યા હતા. તે સમયે સોનાના ઘરેણાં રૂમના લાકડાના કબાટના ખાનામાં મૂકી તેની ચાવી બાજુમાં રાખતા હતા. બે માસ પહેલાં સગાના ઘરે ધાર્મિક પ્રસંગમાં જવા માટે દાગીના લેવા જતાં કબાટના અંદરના ખાનાનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્‍યું હતું.

તપાસમાં જાણવા મળ્‍યું કે તસ્‍કરો કબાટના ખાનામાંથી સોનાની એક જોડ બંગડી, કડું, પેન્‍ડલ, ચેન અને ચાર વીંટી મળીને કુલ સવા પાંચ તોલા જેટલું સોનું ચોરી ગયા હતા. જેની કુલ અંદાજિત કિંમત રૂા.૭.૨૫ લાખ જેટલી થવા જાય છે. કોઈ અજાણ્‍યા શખસે દાગીના ચોરીને નાસી છૂટયો હોવાનું માલૂમ પડતાં આખરે ઘરમાલિક દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્‍યો હતો.

આ ચોરીના બનાવ સંદર્ભે ગંગાજળિયા પોલીસે અજાણ્‍યા તસ્‍કર સાામે  ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફિંગરપ્રિન્‍ટની મદદ લઈ અને આજુબાજુના વિસ્‍તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને ચોરી કરનાર શખસને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે

(10:27 AM IST)