<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

જિયો IPO: ઓનલાઇન યુગમાં પણ સૌરાષ્ટ્રના રોકાણકારોમાં ‘મેન્યુઅલ ફોર્મ’ ભરવાનો અનોખો ક્રેઝ

અલોટમેન્ટ મેળવવા દેશી નુસખો હજુ રોકાણકારોમાં ફેવરિટ: ઓનલાઇન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયામાં યુપીઆઈ મેન્ડેડ વિલંબથી મળતો હોવાના કારણે પણ મેન્યુઅલ ફોર્મ ભરવા માટે કતારો લાગી:આઇપીઓ માર્કેટ માટે સૌરાષ્ટ્ર ફેવરિટ: આઇપીઓ ખુલતાની સાથે જ જામનગરના રોકાણકારોમાં અરજી કરવા માટે જોવા મળતો જબરજસ્ત ઉત્સાહ

(મુકુંદ બદિયાણી દ્વારા ) જામનગર :દેશના સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહેલા જિયોના આગામી આઇપીઓને લઈને સમગ્ર ગુજરાત સહિત ખાસ કરીને જામનગર અને સૌરાષ્ટ્રના રોકાણકારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આ આધુનિક સમયમાં પણ સૌરાષ્ટ્રના શેરબજારના જૂના અને અનુભવી રોકાણકારોમાં એક રસપ્રદ અને દ્રઢ માન્યતા પ્રવર્તી રહી છે કે, આઇપીઓ માટે જો ફિઝિકલ એટલે કે મેન્યુઅલ ફોર્મ ભરીને અરજી કરવામાં આવે તો શેર અલોટમેન્ટ લાગવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે.
આ અનોખી માન્યતાને કારણે જામનગર અને આસપાસના વિસ્તારોમાં શેર બ્રોકર્સ, બેંકો અને ડિડી સબમિશન સેન્ટરો પર અત્યારથી જ મેન્યુઅલ ફોર્મ્સ માટે પૂછપરછ અને આગોતરી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સ્થાનિક રોકાણકારોનું માનવું છે કે કાગળ પર જાતે વિગતો ભરીને જમા કરાવવાથી નસીબ વધુ સાથ આપે છે. એટલું જ નહીં પરંતુ એક રોકાણ કરે તો એમ પણ કહ્યું હતું કે ઘણીવાર તેમણે યુપીઆઈ મેન્ટેડ મળવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને જિયોનો આઇપીઓ ચૂકી જવાય એ તેમને પોસાય એમ નથી એટલે કોઈ પણ પ્રકારનો ચાન્સ લીધા વગર મેન્યુઅલ ફોર્મ સબમીટ કરવા માટે એચડીએફસીની બ્રાન્ચ ઉપર આવ્યા છે.
બુધવારે સવારે બેંકો અને સિક્યુરિટીની ઓફિસો ખુલતા ની સાથે જ જામનગરમાં અનેક જગ્યાએ જીઓના આઈપીઓમાં રોકાણ કરવા માટે પરંપરાગત અને આધુનિક રોકાણકારો પણ મેન્યુઅલ ફોર્મ મેળવી સબમીટ કરાવવા માટે લાઈનોમાં લાગી ગયા હતા. માત્ર જિયો જ નહીં, પરંતુ ભારતીય શેરબજાર અને આઇપીઓ માર્કેટ માટે સૌરાષ્ટ્ર હંમેશાથી એક અત્યંત મહત્વનું 'રીટેલ રોકાણ કેન્દ્ર' રહ્યું છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ભાવનગર જેવા શહેરોમાંથી મોટા પ્રમાણમાં રીટેલ મૂડીનું રોકાણ થાય છે.
આ જ કારણ છે કે દેશની મોટામાં મોટી કોર્પોરેટ કંપનીઓ અને મરચન્ટ બેંકર્સ તેમના IPO લોન્ચ કરતી વખતે સૌરાષ્ટ્રના માર્કેટ અને અહીંના રીટેલ રોકાણકારો પર ખાસ ફોકસ રાખે છે.સૌરાષ્ટ્રના રોકાણકારોના આ અજોડ ઉત્સાહ અને 'મેન્યુઅલ ફોર્મ' વાળા દેશી અંદાજને કારણે જિયોનો આઇપીઓ સ્થાનિક નાણાકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

(7:55 PM IST)