હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છ યુનિવર્સિટી અને ભૂકંપવિજ્ઞાન સંશોધન સંસ્થા ગાંધીનગરની સંયુક્ત પાંચ દિવસીય પ્રી-રાષ્ટ્રીય કાર્યશાળા ભુજ મધ્યે યોજાઇ
જાન્યુઆરી-ફેબ્રુઆરી 2027માં ભારતમાં પ્રથમવાર લખનૌ ખાતે યોજાનારી INQUAની 22મી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસની પૂર્વતૈયારીના ભાગરૂપે દેશભરના 35 જેટલા યુવા સંશોધકોએ મેળવી આધુનિક ક્ષેત્ર અને પ્રયોગશાળા તકનીકોની તાલીમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૧ : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 24થી 28 ઑક્ટોબર દરમિયાન પાંચ દિવસીય ‘પ્રી-INQUA 2027 નેશનલ વર્કશોપ કમ ટ્રેનિંગ પ્રોગ્રામ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ક્વાટર્નરી ભૂસ્તરશાસ્ત્ર અને ભૂ-પુરાતત્ત્વના ક્ષેત્રમાં યુવા સંશોધકોની સંશોધન ક્ષમતા વધારવાના હેતુથી યોજાયેલી આ કાર્યશાળાને ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, INQUA અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)નો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યશાળા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2027 દરમિયાન લખનૌ ખાતે યોજાનારી International Union for Quaternary Research (INQUA)ની 22મી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાઈ હતી. આ કોંગ્રેસ ભારતમાં પ્રથમ વખત યોજાવાની છે. ક્વાટર્નરી વિજ્ઞાનમાં પૃથ્વીના છેલ્લા આશરે 25.8 લાખ વર્ષના હવામાન, પર્યાવરણ, ભૂકંપીય પ્રવૃત્તિઓ, સમુદ્રની સપાટીમાં ફેરફાર અને માનવ સંસ્કૃતિના વિકાસનો અભ્યાસ કરવામાં આવે છે.
પાંચ દિવસીય કાર્યશાળામાં પ્રથમ ત્રણ દિવસ કચ્છના વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય અને પુરાતત્ત્વીય સ્થળોએ ક્ષેત્ર તાલીમ આપવામાં આવી હતી, જ્યારે અંતિમ બે દિવસ ISR, ગાંધીનગર ખાતે અદ્યતન પ્રયોગશાળા અને વૈજ્ઞાનિક ઉપકરણોની તાલીમ યોજાઈ હતી.
કચ્છમાં ખારી નદી ગોર્જ, રતિયા ફોલ્ટ, કટ્રોલ હિલ ફોલ્ટ, માંડવી બીચ, પિંગલેશ્વર, જખૌ, છેર નાની, બન્ની અને ધોળાવીરા જેવા સ્થળોની મુલાકાત દરમિયાન સહભાગીઓને ભૂકંપીય પ્રવૃત્તિ, ભૂસ્તરીય ફેરફારો, નદી અને દરિયાકાંઠાના નિક્ષેપો તથા પ્રાચીન માનવ સંસ્કૃતિના પુરાવાઓનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. કચ્છના વૈવિધ્યસભર ભૂસ્તરીય વિસ્તારો સંશોધન માટે કુદરતી પ્રયોગશાળા સમાન હોવાથી આ ક્ષેત્ર તાલીમ સંશોધકો માટે વિશેષ ઉપયોગી બની હતી.
ISR ખાતે યોજાયેલી તાલીમમાં નિષ્ણાતોએ ક્વાટર્નરી ભૂસ્તરશાસ્ત્ર, નિયોટેક્ટોનિક્સ, પ્રાચીન પર્યાવરણ, માનવ સ્થળાંતર, સ્ટેબલ આઇસોટોપ અને દરિયાઈ પુરાતત્ત્વ જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત XRD, XRF, ICP-MS, CHNS એનાલાઇઝર, પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર અને OSL ડેટિંગ જેવી આધુનિક વૈજ્ઞાનિક તકનીકોની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. સહભાગીઓને પ્રયોગશાળાઓમાં ઉપલબ્ધ WD-XRF, XRD અને AAS જેવી સુવિધાઓથી પણ પરિચિત કરાયા હતા.
આ કાર્યશાળામાં કચ્છ યુનિવર્સિટીના ડૉ. ગૌરવ ડી. ચૌહાણ અને ISRના ડૉ. અર્ચના દાસે સંયોજક તરીકે સમગ્ર આયોજનનું સંકલન કર્યું હતું. દેશનાં વિવિધ રાજ્યોની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓમાંથી 35 જેટલા યુવા સંશોધકો, પીએચ.ડી. વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયન્સિસ, લખનૌના નિયામક પ્રો. એમ. જી. ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં સંશોધકોને ભાવિ સંશોધનની તકો અને આંતરવિષયક અભિગમ અંગે માર્ગદર્શન મળ્યું હતું. વિવિધ વિષયોના નિષ્ણાતોએ પણ પોતાના સંશોધન અનુભવો સહભાગીઓ સાથે વહેંચ્યા હતા.
પાંચ દિવસીય કાર્યશાળામાં ક્ષેત્ર અભ્યાસ, વૈજ્ઞાનિક વ્યાખ્યાનો અને અદ્યતન પ્રયોગશાળા તાલીમના સમન્વયથી યુવા સંશોધકોને સંશોધનની આધુનિક પદ્ધતિઓનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો હતો. કાર્યશાળાની સફળતા બદલ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ, કુલસચિવ ડૉ. અનિલ ગોર, ISRના ડિરેક્ટર જનરલ શ્રી ડી. ડી. જાડેજા અને ISRના ડિરેક્ટર ડૉ. સંતોષ કુમારે સંયોજકો, નિષ્ણાતો અને સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
