<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

જામનગરના બાદનપર ગામે જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો : 9 શખ્સો ઝડપાયા

વાડીની ઓરડીમાં ચાલતા જુગાર પર ત્રાટકેલી પોલીસે રૂ.1.52 લાખ રોકડા સહિત રૂ.5.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો : 5 મોટરસાઇકલ અને 9 મોબાઇલ ફોન જપ્ત

જામનગર : જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાદનપર ગામની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી 9 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.1,52,300ની રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અને મોટરસાઇકલ સહિત કુલ રૂ.5,02,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (IPS) તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જની ટીમ જુગારની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી ટેક્નિકલ એનાલિસિસ અને વોચ ગોઠવી રહી હતી.

 

દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે જોડિયા તાલુકાના બાદનપર ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. અહીં તીનપત્તીનો નશી આધારિત જુગાર રમતા કુલ 9 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

 

પોલીસે જુગારધામ પરથી રૂ.1,52,300 રોકડા ઉપરાંત 5 મોટરસાઇકલ અને 9 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,02,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

રાજકોટ રેન્જ પોલીસની આ કાર્યવાહીને પગલે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે જુગારની પ્રવૃત્તિ ચલાવતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

(2:34 PM IST)