News of Sunday, 22nd November 2026
જુનાગઢમાં પરિક્રમામાં વાયરલેસ મેસેજ બન્યો પરિવારના મિલનની કડી, વિખૂટા પડેલા સ્વજનો ફરી મળ્યા : જુઓ વિડિયો
લીલી પરિક્રમામાં પોલીસ અને વિભાગોના સંકલનથી યાત્રિકોની સુરક્ષા માટે અનોખી વ્યવસ્થા, રાઉટી પર વાયરલેસથી મેસેજ પહોંચતા પરિવારમાં આનંદની લાગણી

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૨ : ગિરનાર લીલી પરિક્રમામાં લાખો યાત્રાળુઓની ભીડ વચ્ચે વિખૂટા પડેલા પરિવારજનોને ફરી મિલાવવામાં વાયરલેસ મેસેજ સૌથી મોટી કડી બની રહ્યો છે. ગિરનારની પરિક્રમામાં પધારતા યાત્રાળુઓની સુખાકારી અને સલામતી માટે પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં વાયરલેસ મેસેજની વ્યવસ્થાએ યાત્રિકોમાં ભારે વિશ્વાસ જગાવ્યો છે.
કેવી રીતે કામ કરે છે વાયરલેસ મેસેજ વ્યવસ્થા?
પરિક્રમા માર્ગમાં જુદી-જુદી જગ્યાએ રાઉટી / કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ અને વિભાગોના સંકલનથી યાત્રાળુઓ વિખૂટા પડી ગયા હોય, કોઈને સારવાર માટે ખસેડ્યા હોય, કે કોઈ સ્વજનને શોધી રહ્યું હોય - આવી તમામ માહિતી વાયરલેસ મારફતે એક રાઉટીથી બીજી રાઉટી સુધી તાત્કાલિક પહોંચાડવામાં આવી રહી છે.
યાત્રાળુઓ પોતાનું નામ લખાવીને અન્ય રાઉટી સુધી પોતાના સ્વજનોને મેસેજ પહોંચાડી રહ્યા છે. "હું આ રાઉટી પર છું, તમે અહીં આવો" - આવા નાના સંદેશાઓ જ પરિવારના મિલનનું માધ્યમ બની રહ્યા છે.
યાત્રિકોમાં આનંદ અને રાહત
ભીડમાં પોતાના વડીલો, બાળકો કે પરિવારજનોથી વિખૂટા પડેલા અનેક યાત્રિકોએ વાયરલેસ મેસેજનો લાભ લીધો હતો. મેસેજ મળતા જ સ્વજનો દોડીને એકબીજાને ભેટી પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને આસપાસના યાત્રિકો પણ ભાવુક થઈ ગયા હતા.
પોલીસના જવાનો સતત વાયરલેસ પર માહિતીનું આદાન-પ્રદાન કરી રહ્યા છે. કોઈ બીમાર યાત્રિકને સારવાર માટે ખસેડ્યો હોય તો તેની માહિતી પણ તરત જ તેના પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે, જેથી પરિવાર ચિંતામુક્ત રહે છે.
ટેકનોલોજી સાથે માનવતા
મોબાઈલ નેટવર્ક ન મળે કે ફોનની બેટરી ખલાસ થઈ જાય ત્યારે પણ વાયરલેસ વ્યવસ્થા યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ વ્યવસ્થાને કારણે પરિક્રમા વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બની છે.
આમ, ગિરનારની પરિક્રમામાં ભક્તિ અને આસ્થાની સાથે સાથે વાયરલેસ મેસેજ માનવતાની અને મિલનની કડી બની રહ્યો છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
