<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

વ્યાજખોરો સામે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી : છ આરોપીઓ સામે ગુનો દાખલ

વ્યાજના રૂપિયા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી દુકાન કબજે કર્યાનો આરોપ : રેન્જમાં વ્યાજખોરી ડ્રાઈવ દરમિયાન લોકોની રજૂઆત સંભળાઈ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૪ : જૂનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૮(૫), ૩૫૧(૩), ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧ની કલમ ૪૦, ૪૨(એ), ૪૨(ડી), ૪૨(ઈ) મુજબનો ગુનો દાખલ થયો છે. આ ગુનો તા. ૦૧/૦૯/૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે દાખલ થયેલ છે.

 

ફરિયાદી યશભાઈ અશ્વિનભાઈ દુર્લભજીભાઈ પરમાર માળી, ઉંમર ૨૮ વર્ષ, રહે. જૂનાગઢ કલ્પવૃક્ષ રેસીડેન્સી ઝાંઝરડા રોડ છે. જ્યારે આરોપીઓમાં (૧) વલ્લભભાઈ ચાવડા રહે. જૂનાગઢ, ઝાંઝરડા રોડ, (૨) હમીરભાઈ મુણીયાસીયા મેર રહે. ઝાંઝરડા રોડ, જૂનાગઢ, (૩) કેતનભાઈ ઠાકોર રહે. જૂનાગઢ, (૪) વિમલેશભાઈ ગલરે રહે. જૂનાગઢ, (૫) લખમણ ઉર્ફે બબુનાથાભાઈ રબારી રહે. જૂનાગઢ ગાંધીગ્રામ, (૬) જગદિશ ઉર્ફે કકનનાથાભાઈ રબારી રહે. જૂનાગઢ ગાંધીગ્રામ, (૭) તથા તપાસમાં ખુલે તે તમામ નો સમાવેશ થાય છે.

 

વિગત મુજબ આ કામના ફરિયાદીના પિતા ભોગ બનનાર-સાહેદ અશ્વિનભાઈ દુર્લભજીભાઈ પરમાર માળીને આ કામના આરોપીઓએ અલગ-અલગ સમયે વ્યાજે રૂપિયા આપી, વ્યાજ મેળવી અને વ્યાજનું પણ વ્યાજ મેળવવા સારૂ ફરિયાદીના પિતાને તથા ફરિયાદીને ફોનમાં અવાર નવાર ફોન-મેસેજ મારફત ધમકીઓ આપી ફરિયાદીના પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને બળજબરીપૂર્વક ફરિયાદી તથા તેના પિતા ભોગ બનનાર-સાહેદની માલીકીની મિલ્કત કે જેમા, દુકાનો, પ્લોટ તથા જમીનના દસ્તાવેજો કરાવી કઢાવી લઈ તેમજ કોરા ચેક તથા પ્રોમેસરી નોટ તથા ડાયરીમાં લખાણ કરાવી લઈ મેળવી લઈ ફોનમાં ફોન-મેસેજ દ્વારા વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ગુનો કરેલ છે.

 

તપાસ હાલ આ ગુનાની તપાસ વાય. બી. રાણા રીડર પોલીસ ઈન્સ્પેક્ટર અત્રેની કચેરી નાઓ ચલાવી રહેલ છે. આરોપી હમીરભાઈ ગીગાભાઈ મુણીયાસીયા જાતે-મેર રહે. જૂનાગઢ, ઝાંઝરડા રોડ વાળાએ ફરિયાદીના પિતા ભોગ બનનાર-સાહેદ અશ્વિનભાઈ દુર્લભજીભાઈ પરમાર માળીને અગાઉ વ્યાજે રૂપિયા આપેલ હતા જે રૂપિયા તથા વ્યાજની ચુકવણી કરી આપેલ હોય તેમ છતા વધુ વ્યાજ મેળવવા ફરિયાદીના પિતાની જૂનાગઢ શહેરમાં સાબલપુર ચોકડી, ઓપેરા સ્ક્વેર બિલ્ડીંગ ખાતે આવેલ ૬ (છ) દુકાન કિંમત આશરે એક કરોડ પચાસ લાખ પોતાના કબજામાં રાખેલ હતી.

 

કાર્યવાહી અંતર્ગત ઉક્ત દુકાનો કાયદેસર રીતે ફરિયાદીના પિતા ભોગ બનનાર-સાહેદની હોવા છતા ફરિયાદી કે તેના પિતાને આરોપી દુકાને આવવા દેતા ન હોય અને કબજો રાખેલ હોય, જેથી દુકાનના દસ્તાવેજ-કાગળો મેળવી ચકાસણી કરતા આ દુકાનો કાયદેસર રીતે ફરિયાદીના પિતાની હોવાનું જણાતા, ફરિયાદીને આશ્વાસન આપી આરોપીને તાબે નહીં થવા અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પોલીસ તમારી સાથે છે અને કાયદાકીય રીતે સંપૂર્ણ મદદ કરશે તેવી હિંમત આપેલ છે.

 

વ્યાજખોરીને ડામવા કરેલ કાર્યવાહી અંતર્ગત અત્રેની કચેરીએથી રેન્જના જિલ્લાઓમાં તા. ૨૮/૦૯/૨૦૨૬ થી તા. ૧૨/૧૦/૨૦૨૬ સુધી દિન-૧૫ ની વ્યાજખોરીની ડ્રાઈવ આપેલ હતી. જે ડ્રાઈવ દરમિયાન રેન્જના જિલ્લાઓમાં ગુન્હા-૫, આરોપીઓ-૯ તેમજ ૩૫ લોક દરબાર યોજી લોકોને નાગરીકો-ભોગબનનારની રજૂઆતો સાંભળેલ છે.

(3:31 PM IST)