<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવનાથ ક્ષેત્રમાં રૂટ નિરીક્ષણ કર્યુ

પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમામાં ઉમટતા લાખો ભાવિકો માટે જરૂરી સુવિધાઓ અને વ્‍યવસ્‍થાઓ સુનિશ્‍ચિત કરવા જિલ્લા કલેકટરના નિર્દેશઃ વરસાદની અછતને ધ્‍યાને રાખી ગિરનાર લીલી પરિક્રમા રૂટ પર પાણીની વ્‍યવસ્‍થા વધારવા માટે તંત્રની કવાયત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૭:  ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો ભાવિકો માટે જરૂરી સુવિધાઓ અને વ્‍યવસ્‍થાઓ સુનિશ્‍ચિત કરવા માટે આજે જિલ્લા કલેક્‍ટર શ્રી યોગેશ ચૌધરીએ સંલગ્ન અધિકારીઓ સાથે જિલ્લા પંચાયત ગેસ્‍ટ હાઉસથી ઈંટવા ગેટ સુધી પગપાળા ચાલીને રૂટ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત ભવનાથ - ભરડાવાવ વિસ્‍તારના ર્પાકિંગ સ્‍થળોની પણ મુલાકાત કરી હતી.

જિલ્લા કલેકટરશ્રીએ પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમામાં ઉમટતા લાખો ભાવિકો માટે જરૂરી સુવિધાઓ અને વ્‍યવસ્‍થાઓ સુનિશ્‍ચિત કરવા માટે સ્‍થળ પરથી જ જરૂરી દિશાનિર્દેશો આપ્‍યા હતા.

આ રૂટ નિરીક્ષણમાં જિલ્લા કલેકટરશ્રીની સાથે મહાનગરપાલિકાના કમિશનર શ્રી આઈ.આર. વાળા, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુશ્રી બી. એસ. બારડ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

જિલ્લા કલેકટરશ્રીએ પરિક્રમા રૂટના માર્ગોની મારામત, ટ્રાફિક નિયમન, ર્પાકિંગ, પરિવહન, પીવાના પાણી, આરોગ્‍ય સહિતની સુવિધાઓ અને વ્‍યવસ્‍થાઓ માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભે જિલ્લા કલેક્‍ટરશ્રીએ જરૂરી માર્ગદર્શન કર્યું હતું.  જિલ્લા કલેકટરશ્રીએ ખાસ પરિક્રમા દરમિયાન માનવ વન્‍યજીવ સંઘર્ષ ન થાય તે માટે ભાવિકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને પરિક્રમાના નિશ્‍ચિત રૂટથી બહાર ન જવા માટે પણ અનુરોધ કર્યો હતો. આ રૂટ નિરીક્ષણમાં મહાનગરપાલિકા, વન વિભાગ, આરોગ્‍ય, પીજીવીસીએલ, માર્ગ અને મકાન સહિતના વિભાગના અધિકારીઓ જોડાયા હતા.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(12:57 PM IST)