<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

જુનાગઢ માં ૨૨ વર્ષથી અવિરત સેવાયજ્ઞની પરંપરાઃ ગીરીશભાઈ કોટેચા પરિવાર દ્વારા ત્રણ દિવસમાં ૨૦ હજાર બાળાઓને ભોજન કરાવાશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૧: જૂનાગઢમાં સેવાભાવ અને ધાર્મિક આસ્‍થાની અનોખી પરંપરાને જાળવી રાખતાં પૂર્વ ડેપ્‍યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા તથા કોટેચા પરિવાર દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ સેવાયજ્ઞ અંતર્ગત દર વર્ષે જૂનાગઢ તથા આસપાસનાં ગામોની અંદાજે ૨૫૦ ગરબી મંડળોની ૨૦,૦૦૦ બાળાઓને સાક્ષાત્‌ જગદંબાનું સ્‍વરૂપ માનીને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવે છે.

આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ તા. ૨૩, ૨૪ અને ૨૫ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ ત્રણ દિવસીય સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલા ગિરિરાજ વિલા ખાતે દરરોજ સાંજે ૫ વાગ્‍યે યોજાનારા આ સેવાકાર્યમાં બાળાઓને ભોજન કરાવવામાં આવશે.

છેલ્લાં ૨૨ વર્ષથી અવિરત ચાલતી આ સેવા ધાર્મિક શ્રદ્ધા, સમર્પણ અને બાળાઓ પ્રત્‍યેના આદરની ભાવનાનું પ્રતીક છે. જગદંબાના સ્‍વરૂપ સમાન બાળાઓની સેવા કરવાના ભાવ સાથે કોટેચા પરિવાર દ્વારા આ પરંપરાને સતત આગળ ધપાવવામાં આવી રહી છે.

આ સેવાયજ્ઞના સહભાગી અને સાક્ષી બનવા માટે ગીરીશભાઈ કોટેચા,  ગીતાબેન કોટેચા તથા કોટેચા પરિવારે સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવ્‍યું છે.

તારીખઃ ૨૩, ૨૪ અને ૨૫ ઓક્‍ટોબર, ૨૦૨૬, સાંજે ૫ કલાકે, ગિરિરાજ વિલા, ગિરનાર રોડ, જૂનાગઢ- આયોજકઃ ગીરીશભાઈ કોટેચા, ગીતાબેન કોટેચા તથા કોટેચા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવ્‍યુ છે.

(12:33 PM IST)