<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

જુનાગઢ : બાળકોનું જાતીય શોષણ કરવામાં ફિટ થયેલ આરોપી મૌલાનાએ દીકરીની ફી ભરવા 20 દિવસના વચગાળાના જામીન માગ્યા : કોર્ટે ફગાવ્યા

બાળકો પરના જાતીય ગુનાના કેસમાં આરોપી મૌલાનાની અરજી નામંજૂર : કેશોદની સ્પેશિયલ પોક્સો કોર્ટે પીડિત બાળકોની જુબાની અને સાક્ષીઓને પ્રભાવિત થવાની શક્યતાને ધ્યાને લેવાઈ

જૂનાગઢ  : કેશોદની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ હર્ષ ત્રિવેદીએ પીડિત બાળકો સામેના જાતીય ગુનાના કેસમાં જેલમાં બંધ આરોપી મૌલાના કરી અબ્બાસ ગુલામરસૂલ સમેજાની 20, દિવસના વચગાળાના જામીનની અરજી ફગાવી દીધી છે. આરોપીએ દીકરીની શાળાની ફી ભરવા, પરિવારની જવાબદારીઓ નિભાવવા અને બેંકમાં કેવાયસીની કાર્યવાહી કરવા માટે વચગાળાના જામીન માગ્યા હતા.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધનાઉ તાલુકાના મીઠેકટલા ગામનો રહેવાસી અને વ્યવસાયે મૌલાના કરી અબ્બાસ સમેજા સામે માંગરોળ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાના આધારે પોક્સો કેસ હેઠળ ટ્રાયલ ચાલી રહી છે. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો તથા પોક્સો એક્ટની વિવિધ કલમો અને જી.પી.એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

આરોપીના વકીલ તરફથી કોર્ટને એવી રજૂઆત કરવામા હતી કે, આરોપીએ દીકરીની શાળાની ફી ભરવા અને પરિવારની જવાબદારીઓ પૂર્ણ કરવા માટે નાણાંની વ્યવસ્થા કરવાની છે. આરોપીનું રાજસ્થાનમાં રહેઠાણ અને સ્થાવર-જંગમ મિલકત હોવાથી તે નાસી જવાની શક્યતા નથી. આથી તેને 20 દિવસના વચગાળાના જામીન આપવા માંગ કરવામાં આવી હતી.

જોકે, સરકાર તરફથી સરકારી વકીલ નિરવ પુરોહિતે જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, આરોપી મૂળ રાજસ્થાનનો હોવાથી ટ્રાયલમાંથી નાસી જવાની શક્યતા છે. કેસની સુનાવણી ચાલુ છે અને અનેક મહત્ત્વના પુરાવા રેકોર્ડ પર આવ્યા છે. પીડિત બાળકો નબળા સાક્ષીઓ હોવાથી આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરી શકે અથવા પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી શક્યતા છે. આથી જામીન અરજી નામંજૂર કરવા રજૂઆત કરાઈ હતી.

 

બંને પક્ષોની રજૂઆતો અને કેસના સંજોગો ધ્યાને લીધા બાદ કેશોદની સ્પેશિયલ જજ (પોક્સો) તથા એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીએ નોંધ્યું હતું કે,આરોપી સામેના કેસમાં પીડિત બાળકોની જુબાની લેવાની બાકી છે અને વચગાળાના જામીન માગવા માટે રજૂ કરાયેલા કારણોને ખાસ કે અનિવાર્ય સંજોગો ગણી શકાય તેમ નથી. આથી કોર્ટે આરોપીની 20 દિવસના વચગાળાના જામીનની અરજી નામંજૂર કરી હતી.

(9:17 AM IST)