<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

જૂનાગઢ મનપા કમિશનર પ્રભવ જોષીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તળાવોની પ્રિ-મોન્સૂન કામગીરીનું જાત-નિરીક્ષણ કર્યું : વર્ષાઋતુ પૂર્વે તમામ કામો પૂર્ણ કરવા આપી કડક સૂચના

નરસિંહ મહેતા તળાવ ખાતે રેસ્ક્યુ બોટ અને ડી-વોટરીંગ મશીનરીની ચકાસણી, વાઘેશ્વરી તળાવના ડેવલોપમેન્ટ કામોની સમીક્ષા: ઇનલેટ-આઉટલેટની સફાઈ સત્વરે પૂર્ણ કરવા તાકીદ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા. 23 : જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર પ્રભવ જોષીએ  આગામી વર્ષાઋતુને ધ્યાને રાખીને 'મોનસુન એક્ટિવિટી' ના ભાગરૂપે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રિપેરડનેસની સઘન ચકાસણી કરી હતી. 

 

નરસિંહ મહેતા તળાવ ખાતે રેસ્ક્યુ બોટ તેમજ હેવી ડ્યુટી ડી-વોટરીંગ મશીનરીની કાર્યક્ષમતા અંગે કમિશનરશ્રીએ જાત નિરીક્ષણ કરી તેની સજ્જતા ચકાસી હતી. તેમણે ચોમાસા પૂર્વે કરવાની થતી જરૂરી કામગીરીની વિગતો મેળવી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ તકે કમિશનરશ્રી દ્વારા ઇનલેટ-આઉટલેટ સ્ટ્રક્ચરની સંપૂર્ણ સફાઈ કરી વર્ષાઋતુનો પ્રારંભ થાય તે પૂર્વે તમામ કામગીરી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. 

 

વાઘેશ્વરી તળાવના ડેવલોપમેન્ટની ચાલી રહેલી કામગીરીની પ્રગતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. ચોમાસા પૂર્વેની તમામ સંબંધિત કામગીરીઓ સત્વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા કમિશનરશ્રીએ તાકીદ કરી હતી. 

 

આ નિરીક્ષણ દરમિયાન કાર્યપાલક ઇજનેર (વો.વ) અલ્પેશભાઈ ચાવડા, ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડિયા તેમજ ડિઝાસ્ટર સેલના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.તેમ પબ્લિક રિલેશન ઑફિસર મહાનગર પાલિકા, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:41 PM IST)