તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
જૂનાગઢ મનપા વોર્ડ નં. ૩ની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન
પ્રિસાઇડિંગ કર્મચારીઓને EVMની ફાળવણી, ૧૮ બૂથ પર મતદાન યોજાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૭: જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩ની એક બેઠક માટે પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર હોય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગઈકાલે જાહેર પ્રચારના પડઘમ શાંત થતા ઉમેદવારો દ્વારા ડોર-ટુ-ડોર પ્રચાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ગત ચૂંટણીમાં જે બેઠક બિનહરીફ થઈ હતી, ત્યાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે.
ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન કરાવવા માટે તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે સવારે પ્રાંત કચેરી ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ અધિકારીઓ અને પોલિંગ સ્ટાફને ૧૮ EVM મશીનોની બૂથ વાઇઝ ફાળવણી કરવામાં આવી હતી.
ચૂંટણી સંચાલન માટે ૩ નોડલ અધિકારીઓ અને ૧૦૦ જેટલા કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને EVM મશીનોની સુરક્ષા માટે તેને ખાસ ઝીપ બેગમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, પ્રાંત કચેરીથી વોર્ડ નં. ૩માં આવેલા ૧૮ બૂથ સુધી સ્ટાફ અને સામગ્રીની સુવિધાયુક્ત અને સુરક્ષિત અવરજવર થાય તે માટે તમામ વાહનોમાં GPS ટ્રેકર લગાવવામાં આવ્યા છે.
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રાંત કચેરી તથા બૂથ આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો પણ જારી કરવામાં આવ્યા છે. આવતીકાલ સવારથી તમામ ૧૮ બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેના પર સૌની મિટ મંડાયેલી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
