<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

વસ્‍તી ગણતરી ૨૦૨૭ પહેલા જ જૂનાગઢ મહાનગરપાલિકાનો મોટો છબરડોઃ ખાનગી શાળાના શિક્ષકોને સોંપી ગણતરીદારની કામગીરી

નાયબ નિયામકના આદેશ મુજબ માત્ર સરકારી કર્મચારીને જ કામગીરી સોંપવાની, છતાં ખાનગી કર્મચારીઓના કરાયા ઓર્ડર, કામગીરી સામે ઉઠ્‍યા સવાલો

જૂનાગઢ, તા.૪: વર્ષ ૨૦૨૭માં શરૂ થનારી દેશવ્‍યાપી વસ્‍તી ગણતરીની ઙ્કારંભિક કામગીરીમાં જ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોટો છબરડો સામે આવ્‍યો છે. વસ્‍તી ગણતરી કચેરીના નાયબ નિયામકશ્રીના પરિપત્રમાં સ્‍પષ્ટ સૂચના હોવા છતાં મહાનગરપાલિકાએ ખાનગી શાળાના શિક્ષકોને ગણતરીદાર અને સુપરવાઈઝરની કામગીરી સોંપી દીધી છે.

વસ્‍તી ગણતરી કચેરીના નાયબ નિયામકશ્રી દ્વારા કરાયેલા પત્રના મુદ્દા નંબર ૨માં સ્‍પષ્ટ ઉલ્લેખ છે કે વસ્‍તી ગણતરીની કામગીરી માટે માત્ર સરકારી કર્મચારીઓને જ નિમણૂક આપવાની રહેશે. તેમ છતાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા ગણતરીદાર અને સુપરવાઈઝરના આદેશમાં અનેક ખાનગી શાળાઓમાં નોકરી કરતા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ નિર્ણય સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખાનગી કર્મચારીઓ ગમે ત્‍યારે નોકરી છોડી શકે છે. આવી સ્‍થિતિમાં વસ્‍તી ગણતરી જેવી રાષ્‍ટ્રીય મહત્‍વની કામગીરી અધવચ્‍ચે અટકી પડે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? આ ઉપરાંત ખાનગી કર્મચારી દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં ન આવે તો તેની જવાબદારી કોની રહેશે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. શરૂઆતના તબક્કે જ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિયમોનો આ રીતે ભંગ કરવામાં આવ્‍યો હોવાથી સંપૂર્ણ વસ્‍તી ગણતરી નિર્વિઘ્‍ને અને સંતોષકારક રીતે પૂર્ણ થશે કે કેમ તે અંગે શંકા સેવાઈ રહી છે. નાગરિકોમાં પણ આ છબરડાને લઈને ચર્ચા જાગી છે અને તંત્ર પાસે યોગ્‍ય કાર્યવાહીની માંગ ઉઠી છે.

(1:28 PM IST)