News of Saturday, 9th May 2026
જૂનાગઢ-સાસણ ગીરની મુસાફરી થશે આસાન: ખડીયા-બીલખા રોડ હવે બનશે 'ધમાકેદાર' ફોરલેન, વન્યજીવોના રક્ષણ માટે પણ માસ્ટર પ્લાન તૈયાર!
ગુજરાત સરકારની રૂ. ૫૭ કરોડની મોટી ભેટ; ટ્રાફિકની જંજાળમાંથી મુક્તિ મળશે અને એશિયાટિક સિંહોની સુરક્ષામાં થશે વધારો

જૂનાગઢ, તા.૦૯: ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ અને સિંહોના ઘર ગણાતા સાસણ ગીર વચ્ચેની મુસાફરી હવે વધુ ઝડપી અને સુરક્ષિત બનવા જઈ રહી છે. ગુજરાત સરકારે જૂનાગઢ અને સાસણ ગીરને જોડતા અતિ મહત્વના એવા ખડીયા-બીલખા રોડના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે રૂ. ૫૭ કરોડના માતબાર બજેટની વહીવટી મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ સાકાર થતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે કનેક્ટિવિટીના નવા દ્વાર ખુલશે.
શું છે આ નવો પ્રોજેક્ટ? રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર આ પ્રોજેક્ટ હેઠળ હાલના સાંકડા બે લેન રસ્તાને અત્યાધુનિક ફોર-લેન કોરિડોરમાં ફેરવવામાં આવશે. આ નવા રસ્તા પર વાહનોની અવરજવર સરળ બનાવવા માટે રસ્તાની વચ્ચે 'સેન્ટ્રલ ડિવાઈડર' અને બંને બાજુ 'પેવ્ડ શોલ્ડર' બનાવવાનું આયોજન છે. સત્તાધીશોના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ માટેનો જરૂરી જીઓલોજીકલ સર્વે પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.
પ્રવાસન અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ છેલ્લા કેટલાક વર્ષોમાં ગીર તરફ આવતા પ્રવાસીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો છે, જેના કારણે જૂનાગઢ-ખડીયા-બીલખા-મેંદરડા-સાસણ રૂટ પર ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી. આ ફોરલેન પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનોની ભીડને હળવી કરવાનો અને મુસાફરીનો સમય ઘટાડવાનો છે. તેનાથી સ્થાનિક વેપાર અને રોજગારીને પણ મોટો વેગ મળશે.
સિંહો અને વન્યજીવો માટે 'સુરક્ષા કવચ' આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર રસ્તા પહોળા કરવા પૂરતો નથી, પરંતુ વન્યજીવોની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપે છે. આ રોડ ગીરના જંગલ વિસ્તારની આસપાસથી પસાર થતો હોવાથી, અહીં એશિયાટિક સિંહો અને અન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા રોડના આધુનિકીકરણથી વાઇલ્ડલાઇફ-સેન્સિટિવ વિસ્તારોમાં ટ્રાફિકનું યોગ્ય નિયમન કરી શકાશે, જેનાથી વન્યજીવો પરના અકસ્માતના જોખમોમાં નોંધપાત્ર ઘટાડો થશે.
જૂનાગઢ અને ગીરના વિકાસ માટે આ પ્રોજેક્ટ એક ગેમ-ચેન્જર સાબિત થશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
