તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
જૂનાગઢ ઉપલા દાતારના આસનસિદ્ધ મહંત ભીમબાપુએ સેવકો સાથે માણ્યું વનભોજન
છેલ્લા ૩૫ વર્ષથી ક્યારેય ગાદી ન છોડનારા ભીમબાપુ દાતારની સીડીઓ પર આવેલી કોયલા વજીરની જગ્યા ખાતે સેવકો અને ટેલિયાઓ સાથે ધાર્મિક પાવન પ્રસંગે જોડાયા

વિનુ જોશી દ્વારા, જૂનાગઢ: ગિરનારી સંત પરંપરામાં ઉપલા દાતારની પાવન ધાર્મિક જગ્યાનું અનેરું માહાત્મ્ય રહેલું છે. સામાન્ય રીતે ગિરનાર, ભવનાથ તળેટી અને દાતાર ખાતે વસવાટ કરતા સંતો-મહંતો પોતાના સેવકોને ત્યાં, વિવિધ ધાર્મિક મેળાવડાઓમાં કે પ્રવાસે જતાં હોય છે. પરંતુ ઉપલા દાતારની જગ્યાના મહંતોની એ ઉજળી અને પવિત્ર પરંપરા રહી છે કે તેઓ પોતાની ગાદી કે જગ્યા છોડીને ક્યારેય બહાર વિચરણ કરવા જતા નથી. આ જ ઉજળી પરંપરાને ઉપલા દાતારની જગ્યાના વર્તમાન મહંત ભીમબાપુ નિષ્ઠાપૂર્વક જાળવી રહ્યા છે.
૩૫ વર્ષથી કાયમી નિવાસ અને આસનસિદ્ધિ:
મહંત ભીમબાપુ છેલ્લા ૩૫ વર્ષથી ઉપલા દાતારની જગ્યા ખાતે જ કાયમી નિવાસ કરી રહ્યા છે. તેઓ આટલા દાયકાઓ દરમિયાન ક્યારેય નીચે શહેરમાં આવ્યા નથી કે બહાર ક્યાંય નીકળ્યા નથી. પોતાની ગાદી પર સ્થિર રહીને ભક્તિ અને સેવામાં લીન રહેતા હોવાથી જ ભાવિકો અને સંત સમાજ તેમને 'આસનસિદ્ધ મહંત' તરીકે પૂજનીય ગણે છે.
કોયલા વજીરની જગ્યા ખાતે વનભોજન:
તાજેતરમાં મહંત ભીમબાપુએ દાતાર પર્વતની સીડીઓના મધ્ય ભાગમાં આવેલી 'કોયલા વજીરની જગ્યા' ખાતે સુંદર ધાર્મિક મનોરથ યોજ્યો હતો. તેઓ આ સ્થળે પધારીને ઉપલા દાતારની જગ્યામાં રાત-દિવસ સેવા આપતા સેવકો અને ટેલિયાઓ સાથે ભાવપૂર્વક વનભોજનમાં જોડાયા હતા. આસનસિદ્ધ મહંત ભીમબાપુનો પોતાના સેવકો પ્રત્યેનો આ સ્નેહભાવ અને વનભોજનનો પ્રસંગ સમગ્ર જૂનાગઢ અને દારુણ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને કૌતુકનો વિષય બન્યો હતો.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
