<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જુનાગઢમાં ડીપ્‍લોમાના છાત્ર સાહિલના પગ પર એસટી બસનું વ્‍હીલ ફરી ગયુ

વિદ્યાર્થીઓ બસમાં ચડતાં હતાં ત્‍યારે બસ રિવર્સ આવતાં પડી ગયોઃ ફ્રેકચર થઇ જતાં રોણકી-માણાવદરના વિદ્યાર્થીને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૭: જુનાગઢના એસટી બસ સ્‍ટેશનમાં બસમાં ચઢતી વખતે માણાવદરના રોણકી ગામનો ડીપ્‍લોમાનો છાત્ર પડી ગયા બાદ તેના પગ પર બસનું વ્‍હીલ ફરી વળતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ માણવદરના રોણકી ગામનો સાહિલ અરજણભાઇ સોલંકી (ઉ.વ.૧૭) ગઇકાલે બપોરે દોઢેક વાગ્‍યે જુનાગઢ એસટી બસ સ્‍ટેશનમાં બસમાં ચઢતી વખતે પડી જતાં બસનું આગલું વ્‍હીલ તેના પગ પર ફરી વળતાં ફ્રેકચર થઇ જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ જુનાગઢ બી-ડિવીઝન પોલીસને કરી હતી.

સાહિલ બે ભાઇમાં મોટો છે અને જુનાગઢ ખાતે ડીપ્‍લોમાના પહેલા વર્ષમાં અભ્‍યાસ કરે છે. તે પોતાના ગામથી જુનાગઢ કોલેજ આવવા એસટી બસમાં અપડાઉન કરે છે.

ગઇકાલે કોલેજ છુટયા બાદ બસ સ્‍ટેશને પહોંચી બીજા છાત્રો સાથે બસમાં ચડતો હતો તે વખતે બસ રિવર્સ આવતાં બેલેન્‍સ ગુમાવતાં પડી ગયો હતો. બાદમાં તેના એક પગ પર બસનું આગળનું વ્‍હીલ ફરી જતાં ગંભીર ઇજા થઇ હતી. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી છે.

(12:47 PM IST)