News of Friday, 1st May 2026
જૂનાગઢની દીકરીનો ટેનિસ કોર્ટમાં ધમાકેદાર વિજય: સાનિયા મિર્ઝાનો ૨૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડી જેન્સી કાનાબારે રચ્યો નવો ઇતિહાસ!
માત્ર ૧૪ વર્ષની વયે પ્રોફેશનલ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી; દિલ્હીમાં રમાયેલી ITF ટુર્નામેન્ટમાં હરિયાણાની અનુભવી ખેલાડીને હરાવી મેળવી સિદ્ધિ.

જૂનાગઢ: તા.૦૧: ગુજરાતના જૂનાગઢની માત્ર ૧૪ વર્ષની ટેનિસ સ્ટાર જેન્સી કાનાબારે રમતજગતમાં એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. દિલ્હીમાં રમાઈ રહેલી ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (ITF) ૧૫ ટુર્નામેન્ટમાં જેન્સીએ શાનદાર પ્રદર્શન કરતા ભારતની સુપરસ્ટાર સાનિયા મિર્ઝાનો ૨૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે જ જેન્સી હવે પ્રોફેશનલ સિંગલ્સ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી સૌથી નાની વયની ભારતીય ખેલાડીઓમાંની એક બની ગઈ છે.
સાનિયા મિર્ઝાએ જ્યારે આ રેકોર્ડ બનાવ્યો ત્યારે તેમની ઉંમર ૧૪ વર્ષ, ૫ મહિના અને ૧૧ દિવસ હતી. જેન્સી કાનાબારે માત્ર ૧૪ વર્ષ અને ૫ મહિનાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરીને સાનિયાનો પચીસ વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પોતાની કારકિર્દીની માત્ર બીજી ITF ટુર્નામેન્ટ રમી રહેલી જેન્સીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ટેનિસ જગતનું ધ્યાન ખેંચ્યું છે.
મેચની વિગતો જોઈએ તો, જેન્સીએ હરિયાણાની તેનાથી મોટી ઉંમરની અને અનુભવી ખેલાડી સંદીપતી સિંહ રાવને સીધા સેટોમાં ૬-૩, ૭-૫ થી હરાવી હતી. ખાસ કરીને બીજા સેટમાં જ્યારે તે મુશ્કેલીમાં હતી, ત્યારે તેણે ચાર મહત્વપૂર્ણ સેટ પોઈન્ટ બચાવીને પોતાની મજબૂત માનસિકતાનો પરિચય આપ્યો હતો. જેન્સીની આ જીત દર્શાવે છે કે તેની પાસે માત્ર ટેકનિક જ નહીં પરંતુ દબાણમાં રમવાની અદભૂત ક્ષમતા પણ છે.
જૂનાગઢ જેવી જગ્યાએથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે આટલી મોટી સિદ્ધિ મેળવવી એ ગુજરાત અને સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. સ્પોર્ટ્સ નિષ્ણાતો માની રહ્યા છે કે જો જેન્સી આ જ રીતે પોતાનું પ્રદર્શન ચાલુ રાખશે, તો તે ભવિષ્યમાં ભારત માટે ગ્રાન્ડ સ્લેમ રમી શકે તેવી ક્ષમતા ધરાવે છે. હાલ તો સમગ્ર ટેનિસ જગત જૂનાગઢની આ 'ટેણકી' ના પરાક્રમને વધાવી રહ્યું છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
