<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

જુનાગઢ ઉપલા દાતાર પર મેઘરાજાની જોરદાર બેટિંગ : ધોધમાર વરસાદથી સીડીઓ પર પાણી ફરી વળ્યા

પ્રસિદ્ધ ધાર્મિક જગ્યાના મહંત શ્રી ભીમબાપુએ વીડિયો વાયરલ કરીને સ્થિતિ દર્શાવી : ચારેબાજુ વોકળા વહેતા થયા : દાતાર પર વરસાદ પડતા વિલિંગડન ડેમ છલકાવવાની શક્યતા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૪ : ગિરનારની ગોદમાં આવેલી પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા ઉપલા દાતાર પર આજે વહેલી સવારથી મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે.

વહેલી સવારથી ઉપલા દાતારની જગ્યા ઉપર ધોધમાર વરસાદનું આગમન થતા જ ચારેબાજુ પાણી-પાણી થઈ ગયું હતું. સતત વરસતા વરસાદના કારણે દાતારની સીડીઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને નાના-મોટા વોકળાઓ વહેતા થઈ ગયા હતા.

ઉપલા દાતારના મહંત શ્રીભીમ બાપુ દ્વારા વહેલી સવારે વરસાદ બાદ જગ્યાની ચારે બાજુ પાણી ભરાયા અને વોકળા વહેતા થયાના દ્રશ્યોનો વીડિયો બનાવી મોકલવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાતારના ડુંગર ઉપર સારો વરસાદ પડે એટલે તેનું પાણી સીધું વિલિંગડન ડેમમાં જાય છે અને વિલિંગડન ડેમ છલકાય છે. વિલિંગડન ડેમનો ઓવરફ્લો સીધો કાળવા થઈને નરસિંહ મહેતા સરોવર તરફ આવે છે.

ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ ભારે વરસાદ બાદ તંત્ર અને સત્તાધીશો પાણીને નરસિંહ મહેતા સરોવર તરફ કઈ રીતે ડાયવર્ટ કરે છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(9:27 AM IST)