News of Friday, 19th June 2026
પત્નિના પ્રેમીના હુમલામાં ઘાયલ ગોંડલના જુનેદનું મોતઃ બનાવ હત્યામાં પલ્ટાયો
નામીયાને પતિ જુનેદ ત્રાસ આપતો હોઇ પાડોશી આશિફના પ્રેમમાં અંધ બની ગઇ હતી : કાવત્રુ ઘડી આશિફે રૂપિયા કમાવવાની લાલચ આપી જુનેદને મળવા બોલાવ્યો અને પથ્થરના ઘા ઝીંકી દીધાઃ બેભાન હાલતમાં મળેલા જુનેદે રાજકોટમાં સારવારમાં દમ તોડી દીધોઃ આરોપી પત્નિ, તેનો પ્રેમી ગઇકાલે જ ઝડપાઇ ગયા'તા

જુનેદ કબીરનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો :આરોપી આસીફ અને હત્યાનો ભોગ બનનાર જુનેદની પત્નિ નામીયા
રાજકોટ, તા. ૧૯: આડાસંબંધમાં વધુ એક હત્યાની ઘટના બની છે. ગોંડલમાં વેપારી યુવાન પર પરમ દિવસે રાતે હીચકારો હુમલો થયો હતો. લોહીલુહાણ અને બેભાન હાલતમાં તે મળી આવ્યા બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. રૂરલ એલસીબીએ કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. યુવાનને પતાવી દેવા તેની જ પત્નિએ પ્રેમી સાથે મળી કાવત્રાને અંજામ આપ્યાનું ખુલતાં હત્યાની કોશિષ, કાવત્રાનો ગુનો નોંધી યુવાન વેપારીની પત્નિ અને તેણીના પ્રેમીને પોલીસે ઉઠાવી લીધા હતાં. સારવારમાં આ યુવાને રાજકોટમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે.
જાણવા મળ્યા મુજબ ગોંડલમાં મોવૈયા રોડ પર રેતી ચોકમાં રહેતો યુવા વેપારી જુનેદ ઇબ્રાહીમભાઇ કબીર (ઉ.વ.૩૩) ગઇકાલે વહેલી સવારે ડૈયા ગામની સીમમાં ઇદગાહવાળા રોડ પર નદી કાંઠેથી માથામાં ઇજા સાથે લોહીલુહાણ હાલતમાં મળી આવતાં તેને ગોંડલ સારવાર અપાવી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયો હતો. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાની તપાસ કરતાં આ ઘટના હુમલાની હોવાનું સામે આવતાં જુનેદ કબીરના ભાઇ યાસીનભાઇ ઇબ્રાહીમભાઇ કબીરની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે જુનેદની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
દરમિયાન રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે આ ઘટનાનો ભેદ તત્કાળ ઉકેલવા સુચના આપતા એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ પીએસઆઇ એચ. સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ અને ટીમોએ તપાસ શરૂ કરતાં માહિતી મળી હતી કે જુનેદ કબીરની પત્નિને તેના પાડોશમાં જ રહેતાં આસીફ સતારભાઇ ડેલા નામના શખ્સ સાથે પ્રેમસંબંધ છે. હુમલા પાછળ કદાચ આ બંનેના આડાસંબંધ કારણભુત હોઇ શકે છે. આ શંકાને આધારે આસીફ અને જુનેદના પત્નિ નામીયા એમ બંનેને એલસીબીની ટીમે ઉઠાવી લઇ વિસ્તૃત પુછપરછ હાથ ધરી હતી.
આ તપાસના અંતે નામીયાએ કબુલાત આપી હતી કે તેને પતિ જુનેદ ખુબ ત્રાસ આપતો હતો. આ કારણે તે પાડોશી આસીફ ડેલાના પ્રેમમાં પડી હતી. આસીફે તેણીને પોતે નિકાહ કરી લેશે તેવુ કહ્યું હતું. પણ જુનેદની હયાતીમાં નિકાહ થઇ શકે તેમ ન હોઇ તેનો કાંટો કાયમને માટે કાઢી નાખવાનો ખોફનાક પ્લાન ઘડયો હતો. કાવત્રા મુજબ એક ધંધામાં રોકાણ કરવાથી મોટો નફો એટલે કે વધુ રૂપિયા મળશે તેવી વાત આસીફે પ્રેમિકા નામીયાના પતિ જુનેદને કરી હતી. બંને પાડોશી હોઇ અને એક બીજા સાથે સારો પરિચય હોઇ જુનેદને આસીફની વાતમાં રસ પડયો હતો. આ પછી આસીફે આ ધંધાની વાત કરવાના બહાને જુનેદને બોલાવ્યો હતો અને ડૈયા ગામની સીમમાં લઇ જઇ તેને પથ્થરના ઘા ફટકારી દીધા હતાં.
જુનેદ મરી ગયાનું સમજી આસીફ ભાગી ગયો હતો. જો કે જુનેદ બચી ગયો હતો અને રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. આ પછી પોલીસે ગુનો નોંધી આરોપી મુળ વેકરી ગામના હાલ ગોંડલ રહેતાં આસીફ સતારભાઇ ડેલા (ઉ.વ. ૩૧)ને અને કાવત્રામાં સામેલ જુનેદની પત્નિ નામીયા જુનેદ કબીર (ઉ.વ.૨૩)ને ઝડપી લીધા હતાં. બંનેને વિશેષ પુછતાછ થઇ રહી હતી ત્યાં રાતે સારવાર દરમિયાન રાજકોટમાં જુનેદ કબીરનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલ્ટાઇ ગયો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વિશેષ કાર્યવાહી કરી હતી.
ે રૂરલ એલસીબીના એ.એસ.આઇ. બાલકળષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, હેડકોન્સ. ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, ભારતીબા સરવૈયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, વિજયભાઇ ખડીયા તથા રણજીતભાઇ બોરડ સહિતની ટીમે ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી લેવાની કામગીરી કરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
