<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

કાલાવડ-ધોરાજી સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે બંધ :ટોડા ગામ નજીક ડાયવર્ઝન ધોવાઈ ગયો :વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો

કાલાવડ પંથકમાં ટૂંકા ગાળામાં ખાબકેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓ ઉભરાઈ ગયા:મુખ્ય નદીઓમાં મોસમના પ્રથમ વરસાદમાં જ ભયાનક ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ

જામનગરના કાલાવડ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કાલાવડ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોસમનો પ્રથમ વરસાદ જ ધોધમાર સ્વરૂપે તૂટી પડ્યો છે. લાંબા સમયના ઉકળાટ અને ગરમી બાદ શરૂ થયેલા આ અનરાધાર વરસાદના કારણે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે અને જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે.

કાલાવડ પંથકમાં ટૂંકા ગાળામાં ખાબકેલા ભારે વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓ ઉભરાઈ ગયા છે. પંથકની મુખ્ય નદીઓમાં મોસમના પ્રથમ વરસાદમાં જ ભયાનક ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બંને કાંઠે વહેતી થતાં અનેક નીચાણવાળા વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે. પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળવાને કારણે વાહનવ્યવહાર માટે અત્યંત મહત્વનો ગણાતો કાલાવડ-ધોરાજી સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.

આ મુશળધાર વરસાદના લીધે કાલાવડના ટોડા ગામ પાસે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ટોડા ગામ નજીક માર્ગ મરામતની કામગીરી માટે બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે હાઈવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે. મુસાફરો અને વાહનચાલકો અધવચ્ચે અટવાઈ પડ્યા છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને માર્ગ-મકાન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે. ડાયવર્ઝન ધોવાઈ જતાં અટકેલા વાહનવ્યવહારને પુનઃ કાર્યરત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે જેસીબી મશીનોની મદદથી કાટમાળ ખસેડવાની અને વૈકલ્પિક રસ્તો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જો કે, નદીઓમાં પાણીનો પ્રવાહ હજુ પણ તેજ હોવાથી કામગીરીમાં થોડો અવરોધ આવી રહ્યો છે.

(9:42 PM IST)